નવી દિલ્હીમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિનોદ જોશી સમક્ષ દાખલ કરાયેલા એક્શન ટેકન રિપોર્ટમાં દિલ્હી પોલીસે આ ખુલાસો કર્યો છે. આઈ.પી. એસ્ટેટ પોલીસ સ્ટેશનના એસ.એચ.ઓ. સમક્ષ વકીલ વિકાસ ત્રિપાઠી દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સોનિયા ગાંધીએ ભારતીય નાગરિકતા મેળવ્યાના લગભગ ત્રણ વર્ષ અગાઉ એટલે કે ૧૯૮૦માં જ તેમનું નામ મતદાર યાદીમાં કેવી રીતે આવી ગયું. આ ફરિયાદમાં છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોના કેસની પોલીસ તપાસની માંગ કરવામાં આવી હતી. આ મામલે રાઉસ એવન્યુ કોર્ટે સપ્ટેમ્બર મહિનામાં મેજિસ્ટ્રેટ કોર્ટના એક જૂના આદેશને રદ્દ કર્યો હતો, જેમાં સોનિયા ગાંધી સામે એફ.આઈ.આર. નોંધવાની અરજી ફગાવી દેવામાં આવી હતી.
તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીનું નામ વર્ષ ૧૯૮૦, ૧૯૮૧, ૧૯૮૨ અને ૧૯૮૩ની મતદાર યાદીઓમાં જોવા મળ્યું હતું. આ મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અહેવાલ દ્વારા ચકાસણી કરવામાં આવી છે, જે પુષ્ટિ કરે છે કે તે સમય સુધી તેઓ ઇટલીના નાગરિક હતા અને તેમણે ૩૦ એપ્રિલ ૧૯૮૩ના રોજ જ ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરી હતી. ૨૭ નવેમ્બરના રોજ રજૂ કરાયેલા અહેવાલમાં આઈ.પી. એસ્ટેટ પોલીસે જણાવ્યું હતું કે આ મામલો તેમના અધિકારક્ષેત્રમાં આવતો નથી, જેથી તેને જરૂરી કાર્યવાહી માટે નવી દિલ્હી જિલ્લામાં તબદીલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે કોર્ટને માહિતી આપી હતી કે આ કેસ તઘલક રોડ પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવ્યો છે.
કોર્ટે પોલીસ દ્વારા કેસ અન્ય સ્ટેશનમાં તબદીલ કરવાના કાનૂની જોગવાઈ અંગે સ્પષ્ટતા માંગી છે અને તપાસ પૂર્ણ કરવા માટે વધુ સમય ફાળવ્યો છે. કોર્ટે તઘલક રોડ પોલીસ સ્ટેશનના એસ.એચ.ઓ. ને સમન્સ પાઠવીને આ મામલાની આગામી સુનાવણી ૧૪ ડિસેમ્બરના રોજ નક્કી કરી છે. કાયદાકીય અને પ્રશાસનિક સ્તરે આ કેસમાં ચાલી રહેલી તપાસ વચ્ચે સોનિયા ગાંધીની નાગરિકતા અને તે સમયની મતદાર યાદીમાં નામ હોવા અંગેના તથ્યો પર સૌની નજર કેન્દ્રિત થઈ છે.
