વારાણસીમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વર્ષ ૨૦૨૭ની આગામી વિધાનસભા ચૂંટણી સંદર્ભે વિપક્ષી ગઠબંધન પર તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે સમાજવાદી પાર્ટી (સપા) અને કોંગ્રેસ વચ્ચે બેઠક ફાળવણીને લઈને ચાલી રહેલા વિવાદને પરસ્પર ચઢિયાતા સાબિત કરવાની રાજકીય રમત ગણાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બંને પક્ષો એકબીજાથી ડરેલા છે અને હાલમાં કોંગ્રેસ મોટી કે સપા મોટી તે અંગેનો વિવાદ ચાલી રહ્યો છે. સપા દ્વારા ચૂંટણી ચર્ચા વચ્ચે જ ઉમેદવારોની જાહેરાત કરવાના પગલાને તેમણે વિપક્ષી છાવણીની અશાંતિ અને ચિંતાનું પ્રતિક ગણાવ્યું હતું.
સમાજવાદી પાર્ટીના ચૂંટણી પ્રચાર અને જાહેરનામા પર પ્રહાર કરતા મુખ્યમંત્રીએ અખિલેશ યાદવના વચનોને પોકળ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અગાઉ જ્યારે સપા સત્તામાં હતી ત્યારે તેઓ બેરોજગારી ભથ્થું અને સરકારી નોકરીઓના વાયદા પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સપાના વાયદાઓનું કુલ બજેટ તેમના અગાઉના વાર્ષિક બજેટ કરતા પણ વધુ હોવાનો દાવો કરતા તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આટલી મોટી રકમ ક્યાંથી લાવવામાં આવશે? ભાજપ સરકાર માત્ર ભથ્થા આપવાને બદલે યુવાનોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે સક્ષમ બનાવી રહી છે અને તેમને નોકરી માંગનારાઓને બદલે નોકરી આપનારા બનાવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યમાં ડબલ એન્જિન સરકારના કાર્યોની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે વર્તમાન સરકારે અગાઉની સરકારોની સરખામણીમાં બમણાથી વધુ રોજગારીની તકો ઊભી કરી છે.
યુવાનોમાં આક્રોશ કે આંદોલનની શક્યતાને ફગાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં આજે વિદ્યાર્થીઓ કે ખેડૂતો દ્વારા કોઈ વિરોધ પ્રદર્શનો થતા નથી, જે સરકારની નીતિઓ પર જનતાના વિશ્વાસની સાક્ષી પૂરે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી હોવાનું જણાવી તેમણે કહ્યું કે અગાઉની સરકારોના સમયના 'કટ્ટા અને બોમ્બ' સંસ્કૃતિનો અંત આવ્યો છે અને આજે સુરક્ષા માટે બ્રહ્મોસ મિસાઈલ અને અસ્ત્રોનું નિર્માણ થઈ રહ્યું છે. છેલ્લે તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશની ૮૦ ટકાથી વધુ જનતા વિકાસ અને વિરાસતના સમર્થનમાં ભાજપ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ની સાથે મજબૂતીથી ઊભી છે, જ્યારે બાકીના ૨૦ ટકા વિરોધી માનસિકતા ધરાવતા લોકો કોંગ્રેસ કે સપાને સમર્થન આપવા માટે સ્વતંત્ર છે.
