દેશમાં વધતા જતા ડિજિટલ અને બેન્કિંગ વ્યવહારો વચ્ચે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવી ગાઇડલાઇન મુજબ, જો કોઈ બેન્ક ખાતામાં એકાદ-બે વ્યવહારો શંકાસ્પદ જણાય અને તેને કારણે ખાતું ફ્રીઝ કરવામાં આવે, તો તેને અનિશ્ચિત સમય માટે બ્લોક રાખી શકાશે નહીં. બેન્કોએ ખાતું ફ્રીઝ કરતા પહેલાં ગ્રાહકને તેની જાણ કરીને ખુલાસો માંગવો અનિવાર્ય છે. ગ્રાહકને જવાબ રજૂ કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવશે અને ગ્રાહકનો જવાબ મળ્યા બાદ બેન્કે વધુ સાત દિવસમાં તે અંગે યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. આખી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે બેન્કોએ ખાતા ફ્રીઝ કે ડી-ફ્રીઝ કરવા સંબંધી તમામ પત્રવ્યવહાર અને ઓર્ડરનો રેકોર્ડ આગામી પાંચ વર્ષ સુધી સાચવીને રાખવો પડશે.
આ પ્રક્રિયામાં કાયદાકીય ઓથોરિટી અને પોલીસની ભૂમિકા અંગે પણ સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. બેન્કો શંકાસ્પદ વ્યવહારની જાણ સંબંધિત ઓથોરિટીને કરીને ખાતાનો વ્યવહાર ચાલુ રાખવાની છૂટ આપી શકે છે. જો સક્ષમ ઓથોરિટી દ્વારા આગામી ૩૦ દિવસની અંદર ખાતું ફ્રીઝ કરવા અંગે કોઈ ચોક્કસ સૂચના કે આદેશ આપવામાં ન આવે, તો ૩૧મા દિવસે ખાતા પરના તમામ પ્રતિબંધો આપોઆપ હટાવી લેવાના રહેશે. ઓથોરિટીએ પણ ૩૦ દિવસની નિર્ધારિત સમયમર્યાદામાં ખાતું ફ્રીઝ કે ડી-ફ્રીઝ કરવા બાબતે અંતિમ નિર્ણય લેવો ફરજિયાત છે. જો આ સમયગાળા દરમિયાન કોઈ સત્તાવાર પ્રત્યુત્તર કે આદેશ ન મળે, તો ગ્રાહકના ખાતાને તુરંત જ અનબ્લોક કરી દેવું પડશે.
ગ્રાહક સેવાઓને વધુ પારદર્શક અને ઉત્તમ બનાવવા માટે RBIએ એટીએમ અને ડેબિટ-ક્રેડિટ કાર્ડના ઉપયોગ અંગે પણ મહત્વના દિશા-નિર્દેશો આપ્યા છે. સામાન્ય રીતે ગ્રાહકોને પોતાની બેન્કમાંથી પાંચ અને અન્ય બેન્કના એટીએમમાંથી ત્રણ વ્યવહારો મફત મળે છે અને ત્યારબાદ પ્રતિ વ્યવહાર રૂ. ૨૬ નો ચાર્જ લાગુ પડે છે, જે યથાવત રહેશે પરંતુ હવે મફત મર્યાદા પૂરી થતા જ ગ્રાહકને તેની ત્વરિત જાણકારી (એલર્ટ) આપવામાં આવશે. ખાસ કરીને ટેક્નિકલ ખરાબી, એટીએમમાં રોકડની અછત કે ખોટા પાસવર્ડ નાખવાને કારણે નિષ્ફળ ગયેલા કે અપૂર્ણ રહેલા વ્યવહારોને મફત એટીએમ મર્યાદામાં ગણવામાં આવશે નહીં; માત્ર સફળતાપૂર્વક પૂર્ણ થયેલા વ્યવહારોની જ મર્યાદામાં ગણતરી થશે.
