ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ચાર મહત્વના જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાને પૂરો એક મહિનો થઈ ગયો છે, પરંતુ આ જાહેરાત માત્ર કાગળ પર જ સીમિત રહી હોવાથી ખેડૂતો અને પશુપાલકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. કિસાન કોંગ્રેસના અગ્રણીઓએ દ્વારકા ખાતે પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકારને હૈયા સોંસરવા વેધક સવાલો પૂછ્યા છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ, એક તરફ કુદરતી આપત્તિના કારણે ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે, તો બીજી તરફ સરકારી તંત્રની ઉદાસીનતાના લીધે રાહત કાર્યોનો કોઈ પત્તો નથી. પહેલી નવેમ્બરથી જ રાહત કામો શરૂ કરવાના વાયદાઓ પોક સાબિત થયા છે, જેના કારણે અન્નદાતાઓની હાલત કફોડી બની ગઈ છે.
દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પશુપાલકો અને ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે કારણ કે સરકાર દ્વારા સમયાંતરે મળતી સહાય હજુ સુધી અપ્રાપ્ય છે. નિયમ મુજબ પશુપાલકોને દર સાતેય દિવસે ઘાસચારો આપવાનો હતો, પરંતુ એક મહિનો વીતવા છતાં એક વખત પણ ઘાસચારો મળ્યો નથી જેના લીધે મૂંગા પશુઓ માટે ઘાસચારાની તીવ્ર અછત સર્જાઈ છે. ઉપરાંત, ખેડૂતોને સહાય પેટે રૂપિયા 17 હજાર આપવાની જાહેરાત કરાઈ હતી અને પશુ દીઠ બે મહિના સુધી રૂપિયા 80 લેખે સહાય ચૂકવવાની વાત હતી, પરંતુ તેનો પણ કોઈ અમલ થયો નથી. બીજી બાજુ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં નર્મદા કે સિંચાઈનું પાણી તો દૂર રહ્યું, પરંતુ છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણીની પણ ભારે તંગી વર્તાઈ રહી છે અને ખેડૂતો PGVCLના દંડનો માર પણ સહન કરી રહ્યા છે.
ખેડૂત આગેવાનોએ સરકાર દ્વારા જાહેર કરાયેલી હેક્ટર દીઠ રૂપિયા 8,500ની સહાયને ખેડૂતો સાથેની ક્રૂર મશ્કરી સમાન ગણાવી છે અને આ સહાયની રકમમાં ધરખમ વધારો કરવાની માંગ બુલંદ કરી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. અગાઉના વર્ષોની જેમ દુષ્કાળગ્રસ્ત વર્ષોમાં 150 ટકા પાક વીમો મળતો હતો, તેવી જ રીતે રાજ્યમાં ફરીથી પદ્ધતિસરની પાક વીમા યોજના તાત્કાલિક ધોરણે પુનઃ શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે. જો સરકાર દ્વારા વહેલી તકે નક્કર પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
