રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા કવાંટ તાલુકાના હાફેશ્વરની મુલાકાત લીધી હતી. આ પ્રવાસની શરૂઆત તેમણે પૌરાણિક હાફેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન અને જળાભિષેક કરીને કરી હતી. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ સ્થળે પૂજા-અર્ચના કર્યા બાદ તેમણે સ્થાનિક ગ્રામીણ વાતાવરણમાં સવારનો સમય વિતાવ્યો હતો. આ દરમિયાન તેમણે અનોખી પહેલ કરતા સ્થાનિક ખેડૂતો સાથે ખુલ્લા વાતાવરણમાં ચા-નાસ્તો કર્યો હતો અને તેમની સાથે જીવન તથા ખેતીવાડીને લગતા વિવિધ મુદ્દાઓ પર હળવાશથી વિસ્તૃત ચર્ચા કરી હતી.
ખેડૂતો સાથેના આ સંવાદ દરમિયાન હર્ષ સંઘવીએ પ્રકૃતિ સાથે તાલ મિલાવીને સાદગીપૂર્ણ અને સંતોષી જીવન જીવવાનો મોટો સંદેશ આપ્યો હતો. તેમણે અન્નદાતા ગણાતા ખેડૂતોને આપણા જીવનના સાચા અને અનુભવી શિક્ષક ગણાવ્યા હતા. ખેતીના અવનવા અનુભવો અને ગ્રામીણ જીવનશૈલીની ખૂબીઓ વિશે તેમણે ખેડૂતો પાસેથી સીધી માહિતી મેળવી હતી, જેણે ઉપસ્થિત સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. ખેડૂતો સાથેના આ આત્મીય મેળાપ બાદ તેમણે નર્મદા નદીના જળરાશિ વચ્ચે બોટિંગનો આનંદ માણ્યો હતો અને હાફેશ્વર ક્ષેત્રને એક આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના વિઝન પર ચર્ચા કરી હતી.
વિશેષરૂપે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત એમ ત્રિ-રાજ્યની સરહદ પર ત્રિવેણી સંગમ જેવા સ્થિત હાફેશ્વર ગામના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. આ સરહદી વિસ્તારમાં પ્રવાસન પ્રવૃત્તિઓ વેગ પકડે અને માળખાગત સુવિધાઓમાં વધારો થાય તે માટે નાયબ મુખ્યમંત્રીએ નર્મદા કિનારે ચાલી રહેલા જેટ્ટી પ્રોજેક્ટ તેમજ અન્ય વિકાસલક્ષી કાર્યોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. સ્થળ પર જઈને તમામ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી. આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી આગામી સમયમાં આ ત્રિ-રાજ્ય સરહદી વિસ્તારના સ્થાનિક પ્રવાસન અને આર્થિક વિકાસને એક નવી જ દિશા મળશે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
