ગુજરાત એટીએસે (ATS) એક મોટી કાર્યવાહી દરમિયાન વડોદરા જિલ્લાના જરોદ પાસેથી આસામના ૨૨ વર્ષીય મોહમ્મદ સહરુલ ઇસ્લામ કબીરુદ્દીન નામના યુવકની ધરપકડ કરીને એક ગંભીર આતંકવાદી કાવતરું પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપી પાસેથી અત્યાધુનિક AK-47 એસોલ્ટ રાઈફલ, બે ખાલી મેગેઝિન અને ૨૩ જીવતા કારતુસ જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સહરુલ પાકિસ્તાન સ્થિત તેના હેન્ડલર મુફ્તી રફીક ઉર્ફે ઇબ્ન અબ્દુલ્લાના સંપર્કમાં હતો અને તેને ગુજરાતમાં કોઈ મહત્વપૂર્ણ સુરક્ષા સ્થાપન પર હુમલો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ હથિયાર દાહોદ ખાતે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પહોંચાડવામાં આવ્યું હતું, જેની પાસેથી સહરુલે ધરપકડના બે દિવસ અગાઉ જ મેળવ્યું હતું.
ગુજરાત એટીએમના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ હુમલા માટે વડોદરા સ્થિત ભારતીય વાયુસેના (IAF) ના સ્ટેશનને અત્યંત ચોક્કસ અને વ્યૂહાત્મક હેતુસર પસંદ કર્યું હતું. ભારતીય વાયુસેનાએ ભૂતકાળમાં ઉરી અને પઠાણકોટ હુમલા બાદ તેમજ તાજેતરમાં પહલગામ આતંકી હુમલા પછી કરાયેલી સૈન્ય કાર્યવાહીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે, જેને કારણે આ સ્ટેશનને પ્રતીકાત્મક રીતે નિશાન બનાવવાનું આયોજન હતું. પાકિસ્તાન સ્થિત માસ્ટરમાઇન્ડ્સનો હેતુ માત્ર સૈન્ય પ્રતિષ્ઠાનને નુકસાન પહોંચાડવાનો જ નહોતો, પરંતુ ગુજરાત જેવા શાંત અને મહત્વપૂર્ણ રાજ્યને ટાર્ગેટ કરીને મોટો રાજકીય સંદેશ આપવાનો પણ હતો, કારણ કે દેશના વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી બંને ગુજરાત સાથે સંબંધ ધરાવે છે.
આ સમગ્ર કાવતરાને અંજામ આપ્યા બાદ આરોપી સહરુલ ઉત્તર ભારત તરફ નાસી છૂટવાની ફિરાકમાં હતો અને તેણે ટ્રેન દ્વારા ભાગી જવાની યોજના બનાવી હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. હાલ સુરક્ષ એજન્સીઓ અને ગુજરાત એટીએસ આ કેસના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ આતંકવાદી નેટવર્ક સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે અને તેને સ્થાનિક સ્તરે કોઈ આર્થિક કે લોજિસ્ટિકલ સહાય મળી હતી કે નહીં. આ સફળ ઓપરેશને સમયસર એક મોટી હોનારત ટાળી દીધી છે અને સુરક્ષા દળો રાજ્ય તેમજ દેશની સુરક્ષા માટે સંપૂર્ણપણે સજાગ હોવાનું સાબિત કર્યું છે.
