ભારતીય રેલવે દ્વારા અયોધ્યા કેન્ટ અને નેપાળના જનકપુર ધામ વચ્ચે શરૂ કરવામાં આવેલી 'સરયુ કમલા એક્સપ્રેસ' (ટ્રેન નંબર ૧૫૫૯૫/૧૫૫૯૬) ના નિયમિત સંચાલનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ગત ૨૩ નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન બલેન્દ્ર શાહ દ્વારા સંયુક્ત રીતે લીલી ઝંડી આપવામાં આવ્યા બાદ આ ટ્રેન ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહી છે. બે પાડોશી દેશોને સીધી જોડતી આ પ્રથમ પેસેન્જર ટ્રેન સેવા હોવાથી મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે રેલવે પ્રશાસન દ્વારા મુસાફરી સંબંધિત તમામ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
પૂર્વ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ ટ્રેન સંપૂર્ણપણે રિઝર્વ્ડ એક્સપ્રેસ તરીકે દોડશે, એટલે કે માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ ટ્રેનમાં પ્રવેશ મળશે. કુલ રિઝર્વ્ડ બેઠકોમાંથી ૭૦ ટકા બેઠકો એન્ડ-ટુ-એન્ડ ક્વોટા અને ૩૦ ટકા બેઠકો રોડસાઇડ ક્વોટા હેઠળ ફાળવવામાં આવશે. આ ટ્રેનમાં માત્ર જનરલ ક્વોટા હેઠળ જ ટિકિટ બુકિંગ ઉપલબ્ધ રહેશે અને તાત્કાલિક, પ્રીમિયમ તાત્કાલિક, વરિષ્ઠ નાગરિક, મહિલા કે ઇમરજન્સી ક્વોટા જેવી સુવિધાઓ નહીં મળે. આ ઉપરાંત, આરએસી (RAC) ની સુવિધા પણ ઉપલબ્ધ નથી અને માત્ર કન્ફર્મ ટિકિટ જ ઇશ્યુ કરવામાં આવશે.
બાળકોના ભાડા અંગે વાત કરીએ તો, જો વાલીઓ બાળક માટે અલગ બર્થ બુક કરાવવા માંગતા હોય તો પૂર્ણ વયસ્ક ટિકિટનું ભાડું ચૂકવવું પડશે, અન્યથા બાળકના ભાડાના નિયમો લાગુ થશે જેમાં બાળકની વિગતો આપવી અનિવાર્ય છે. ટ્રેનનું મૂળ ભાડું પસંદ કરેલી ક્લાસના એક્સપ્રેસ ટ્રેન જેટલું જ રહેશે, જેમાં રિઝર્વેશન ચાર્જ અને જીએસટી અલગથી લાગશે. આ ઉપરાંત, લગેજ અલાઉન્સની વાત કરીએ તો ફર્સ્ટ એસીમાં ૭૦ કિલો, સેકન્ડ એસીમાં ૫૦ કિલો તથા થર્ડ એસી અને સ્લીપર ક્લાસમાં ૪૦ કિલોગ્રામ સુધીનો સામાન મફત લઈ જવાની છૂટ આપવામાં આવી છે.
