અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી ૪૨ વર્ષીય મહિલા સાથે સાયબર ફ્રોડની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં માત્ર એક ખોટી ક્લિકથી તેમની મહેનતની કમાણી ડૂબી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૨૮ ઓક્ટોબરના રોજ બપોરે મહિલાનો ૧૭ વર્ષીય પુત્ર તેમની જ મોબાઈલ પર ઈન્સ્ટાગ્રામ ચલાવી રહ્યો હતો તે દરમિયાન તેની નજર એક જાહેરાત પર પડી. આ જાહેરાતમાં કોઈપણ પ્રકારના ચાર્જ વગર ફ્રીમાં મૂવીઝ સ્ટ્રીમિંગ અને ડાઉનલોડ કરવાની લિંક આપવામાં આવી હતી. આકર્ષક ઓફરના લોભમાં આવીને સગીર પુત્રએ તે લિંક પર ક્લિક કર્યું, જેનાથી ગૂગલ ક્રોમ દ્વારા ફોનમાં અજાણ્યા સ્ત્રોતમાંથી એક એપીકે (APK) એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી. આ એપ્લિકેશન ઓપન થતાં જ ફોનમાં ખામી સર્જાવા લાગી હતી અને વારંવાર 'અપડેટિંગ સિસ્ટમ'નું નોટિફિકેશન આવવાને કારણે ફોન હેંગ થઈ ગયો હતો.
એપ ડાઉનલોડ થયા બાદ ફોન સતત હેંગ થવા લાગતા અને કાબૂ બહાર જતા પરિવારે મોબાઈલ રિપેરિંગની દુકાને પણ બતાવ્યો હતો, પરંતુ ફોનની સમસ્યા યથાવત રહી હતી. દરમિયાન, ૨૯ ઓક્ટોબરથી ૮ નવેમ્બર વચ્ચેના માત્ર ૧૧ દિવસના ટૂંકા ગાળામાં સાયબર ગુનેગારોએ આ મેલવેશિયસ એપના માધ્યમથી મહિલાના ફોનનો એક્સેસ મેળવી લીધો હતો. ઠગ્સે બેંક ઓફ ઈન્ડિયામાં રહેલા ખાતામાંથી યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન દ્વારા અલગ-અલગ ખાતામાં પઠાણી ઉઘરાણીની જેમ નાણાં ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું હતું. ગુનેગારોએ એકસાથે રૂ. ૯૫,૦૦૦ સહિત અનેક હપ્તાઓમાં કુલ રૂ. ૯,૯૭,૦૦૦ જેટલી માતબર રકમ ગાયબ કરી દીધી હતી. આ સમગ્ર કાંડની ભનક પણ પરિવારને લાંબા સમય સુધી લાગી શકી નહોતી કારણ કે ફોન સતત લોક અને ખામીયુક્ત સ્થિતિમાં હતો.
જ્યારે આગામી ૧૦ નવેમ્બરના રોજ મહિલાએ પોતાના બેંક ખાતાની સિલક તપાસી ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. અગાઉ ૧૩ લાખ રૂપિયાથી વધુની બચત ધરાવતા આ ખાતામાં હવે માત્ર ૩.૪૭ લાખ રૂપિયા જ બચ્યા હતા. બેંક સ્ટેટમેન્ટ ક્રોસ ચેક કરતાં ખબર પડી કે તેમની જાણ વગર જ યુપીઆઈ દ્વારા અનેક અનધિકૃત વ્યવહારો કરવામાં આવ્યા છે. તાત્કાલિક પગલાં રૂપે મહિલાએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફોન કરીને સત્તાવાર રીતે બે ફરિયાદો નોંધાવી હતી. હાલ પોલીસ પ્રશાસન અને સાયબર ક્રાઈમ સેલ દ્વારા તે મેલવેશિયસ એપ્લિકેશનના સ્ત્રોત, જે બેંક ખાતાઓમાં નાણાં જમા થયા છે તેની વિગતો અને આખા ફ્રોડ નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
