JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાજકોટના ટેક્નોલોજી નિષ્ણાતની ગગનચુંબી સિદ્ધિ, 400 કિ.મી. ઊંચે ફરતા સ્પેસ સ્ટેશન સાથે કરશે સીધો રેડિયો સંપર્ક

રાજકોટના ટેક્નોલોજી નિષ્ણાતની ગગનચુંબી સિદ્ધિ, 400 કિ.મી. ઊંચે ફરતા સ્પેસ સ્ટેશન સાથે કરશે સીધો રેડિયો સંપર્ક
પૃથ્વીથી 400 કિલોમીટરની ઊંચાઈએ કલાકના 28,000 કિમીની ઝડપે ફરતા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સાથે રાજકોટના હેમ રેડિયો નિષ્ણાત રાજેશ વાગાડિયા સીધો રેડિયો સંપર્ક સ્થાપિત કરીને જીવંત નિદર્શન કરશે.

અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રે ગુજરાત અને રાજકોટ માટે ગર્વ લેવા જેવી એક મોટી સિદ્ધિ સામે આવી છે. રાજકોટના જાણીતા હેમ રેડિયો અને સેટેલાઈટ કમ્યુનિકેશન નિષ્ણાત રાજેશ વાગાડિયા કર્ણાટકના મેંગલુરુ ખાતે આગામી 28 અને 29 નવેમ્બરે યોજાનાર દેશના પ્રતિષ્ઠિત 'હેમફેસ્ટ ઈન્ડિયા-2026'માં પોતાની અનોખી પ્રતિભાનું પ્રદર્શન કરશે. તેઓ અહીં દેશભરના હેમ રેડિયો ઓપરેટરો, અવકાશપ્રેમીઓ અને ટેકનોલોજી નિષ્ણાતો સમક્ષ અવકાશી સંચારની લાઈવ ટેકનોલોજી રજૂ કરવા માટે ખાસ ઉપસ્થિત રહેશે. આ અત્યંત જટિલ પ્રયોગ માટે તેઓ રાજકોટથી પોતાનું સંપૂર્ણ પોર્ટેબલ સેટેલાઈટ સ્ટેશન મેંગલુરુ લઈ ગયા છે, જેમાં હેન્ડહેલ્ડ રેડિયો, ટ્રાન્સસીવર, વિશેષ એન્ટેના અને સેટેલાઈટ ટ્રેકિંગ જેવી અત્યાધુનિક વ્યવસ્થાઓ સામેલ છે.

આ લાઈવ પ્રદર્શન દરમિયાન પૃથ્વીથી આશરે 400 કિલોમીટરની ઊંચાઈએ અને કલાકના અવિશ્વસનીય 28,000 કિલોમીટરની ઝડપે પરિભ્રમણ કરી રહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સાથે સીધો રેડિયો સંપર્ક સ્થાપિત કરવામાં આવશે. આટલી અતિશય ઝડપે ગતિ કરતા અવકાશ મથક સાથે સંપર્ક સાધવો એ કોઈ સામાન્ય બાબત નથી, જેના માટે એન્ટેનાની ચોક્કસ દિશા અને રેડિયો ફ્રિકવન્સીનું અત્યંત સચોટ નિયંત્રણ કરવું અનિવાર્ય બને છે. આ ગગનચુંબી પ્રયોગમાં ભારત જ નહીં પરંતુ દુનિયાભરના હેમ રેડિયો ઓપરેટરોને જોડાવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજેશ વાગાડિયા પોતાના કોલસાઈનથી સંપર્ક માટે સિગ્નલ આપશે અને વિશ્વભરના ઓપરેટરો તેનો જવાબ આપશે, જ્યારે સફળ પુષ્ટિ કરનારા ઓપરેટરોને વિશેષ ક્યુએસએલ કાર્ડ પણ એનાયત કરવામાં આવશે.

માત્ર સ્પેસ સ્ટેશન જ નહીં, પરંતુ આ ઇવેન્ટમાં રશિયન ઉપગ્રહ યુએમએક્સ-1એ દ્વારા લેવામાં આવેલી અદભુત તસવીરો પણ મેળવીને બતાવવામાં આવશે. આ રશિયન ઉપગ્રહ પૃથ્વીથી આશરે 491 થી 506 કિમીની ઊંચાઈએ રહીને દર 94.6 મિનિટે પૃથ્વીનું એક ચક્કર પૂર્ણ કરે છે અને પ્રતિ સેકન્ડ 7.61 કિમીની ઝડપે દોડે છે. આટલી ઊંચાઈ અને ગતિએ ફરતા ઉપગ્રહમાંથી લાઈવ તસવીરો મેળવવી એ એક મોટો ટેકનિકલ પડકાર છે, જેને રાજકોટના આ કુશળ નિષ્ણાત સફળતાપૂર્વક પાર પાડીને દેશભરના ટેકનોલોજી ક્ષેત્રમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES