ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને હજુ સમય બાકી છે, પરંતુ રાજકીય પક્ષો વચ્ચે અત્યારથી જ ગરમાવો જોવા મળી રહ્યો છે. અખિલેશ યાદવની આગેવાની હેઠળની સમાજવાદી પાર્ટી (સપા) દ્વારા સહારનપુર અને બેહત બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવતા રાજકીય સમીકરણો બદલાયા છે. આ બાબતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઇમરાન મસૂદે આકરા પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ બંને બેઠકો પરંપરાગત રીતે કોંગ્રેસની જ રહી છે અને ગઠબંધનની ચર્ચાઓ ચાલુ હોવા છતાં એકતરફી જાહેરાત કરવી યોગ્ય નથી. તેમણે યાદ અપાવ્યું કે ૨૦૧૭માં આ બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો, જ્યારે ૨૦૨૨માં સપા માત્ર એટલા માટે જીતી શકી હતી કારણ કે તે સમયે તેઓ સપામાં જોડાયા હતા.
કોંગ્રેસ અને સપા વચ્ચે હાલમાં બેઠક વહેંચણી અંગેની વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ સપા દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી દેવાથી ગઠબંધનના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન સર્જાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના નિવાસસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર ૨૬ બેઠકો પર જ નહીં પરંતુ અન્ય મહત્વપૂર્ણ બેઠકો પર પણ ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસે અગાઉ ૧૩૦ બેઠકોની યાદી સપાને સોંપી હતી. બીજી તરફ, સપાનું વલણ છે કે તેમણે એ જ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે જ્યાં તેમનો દાવો સૌથી મજબૂત છે. આમ છતાં, કોંગ્રેસનું માનવું છે કે જ્યારે બેઠક વિતરણ પર મંત્રણા ચાલતી હોય ત્યારે આવા નિર્ણયો ટાળવા જોઈતા હતા.
આ સમગ્ર વિવાદ વચ્ચે ઇમરાન મસૂદે અખિલેશ યાદવને ઉદારતા દાખવવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે અખિલેશ યાદવ એક વરિષ્ઠ નેતા છે અને યુપીના મુખ્યમંત્રી બનવા માંગતા હોય તો તેમણે ગઠબંધનના સાથી પક્ષોને પૂરતી જગ્યા આપવી પડશે. સપા પ્રમુખ અખિલેશ યાદવ અગાઉ કહી ચૂક્યા છે કે કોંગ્રેસે બેઠકોની સંખ્યા કરતાં જીત મેળવવાના સમીકરણો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી ૨૦૨૭માં યુપીમાં પરિવર્તન લાવી શકાય. હવે જોવાનું એ રહે છે કે બંને પક્ષો વચ્ચે બેઠક ફાળવણીનો આ અવરોધ કેવી રીતે ઉકેલાય છે અને INDIA ગઠબંધન આગામી ચૂંટણીમાં કેવું રૂખ અપનાવે છે.
