JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

કેન્દ્ર સરકારના સીમાંકન પ્રસ્તાવને સમર્થન આપવા પર કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે રાજકીય ઘમાસાણ શરੂ

કેન્દ્ર સરકારના સીમાંકન પ્રસ્તાવને સમર્થન આપવા પર કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે રાજકીય ઘમાસાણ શરੂ
મહારાષ્ટ્રમાં કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત સીમાંકન અભિયાનને સમર્થન આપવાના એનસીપી (એસપી)ના નિર્ણય સામે કૉંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. કૉંગ્રેસે યાદ અપાવ્યું છે કે તેણે પોતાના હિતોને બાજુ પર મૂકીને અગાઉ શરદ પવારને રાજ્યસભામાં મોકલવામાં મદદ કરી હતી.

મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ સમિતિએ શનિવારે 'એક્સ' પર એક તીખી પોસ્ટ શેર કરીને તેના જ મહા વિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધનના સહયોગી પક્ષ નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (શરદચન્દ્ર પવાર) પર આકરા પ્રહારો કર્યા છે. કૉંગ્રેસે યાદ અપાવ્યું કે આ વર્ષની શરૂઆતમાં જ્યારે મહારાષ્ટ્રની રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી, ત્યારે એનસીપી (એસપી) પાસે માત્ર ૧૦ ધારાસભ્યો હતા અને વિજય માટે ૩૬ મતોની જરૂર હતી. તે સમયે કૉંગ્રેસના ૧૬ અને શિવસેના (યુબીટી)ના ૨૦ ધારાસભ્યો હોવા છતાં, કૉંગ્રેસે પોતાની દાવેદારી જતી કરીને ૮૫ વર્ષીય શરદ પવારને રાજ્યસભામાં પુનઃ ચૂંટાઈને જવા માટે સર્વસમર્થન આપ્યું હતું. સુપ્રિયા સુળેએ ખુદ કૉંગ્રેસ હાઈકમાન્ડ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખાર્ગે પાસે સમર્થન માંગ્યું હતું, જેને સ્વીકારીને કૉંગ્રેસે ઉદારતા દાખવી હતી.

આ સહયોગ અને ઉદારતાને યાદ કરતાં કૉંગ્રેસે સવાલ કર્યો છે કે હવે એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે પવાર જૂથ કેન્દ્રની ભાજપ સરકારના પ્રસ્તાવિત સીમાંકન (ડીલિમિટેશન) બિલનું સમર્થન કરવા જઈ રહ્યું છે. વાસ્તવમાં, એનસીપી (એસપી)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે શુક્રવારે જાહેરાત કરી હતી કે પાર્ટીએ ચર્ચા બાદ કેન્દ્રના પ્રસ્તાવિત સીમાંકન અભિયાનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત બાદ મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે આવા મહત્વપૂર્ણ નિર્ણયો 'INDIA' ગઠબંધનની બેઠકમાં ચર્ચા કરીને લેવા જોઈએ. તેમણે આ નિર્ણય પાછળ રાજકીય ગણતરીઓ કે કોઈ પ્રકારના દબાણ હોવાની શંકા પણ વ્યક્ત કરી છે.

કૉંગ્રેસે આ સીમાંકન પ્રસ્તાવ સામે આક્રમક રૂખ અપનાવતા તેને 'ગેરીમેન્ડરિંગ' એટલે કે ચૂંટણીકીય ફાયદા માટે મતવિસ્તારની સીમાઓમાં હેરાફેરી ગણાવ્યું છે. કૉંગ્રેસનો તર્ક છે કે નવી વસ્તી ગણતરી (સેન્સસ) વિના સીમાંકન હાથ ધરવાનો સરકારનો હેતુ માત્ર સત્તા પર પકડ મજબૂત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, પ્રસ્તાવિત સીમાંકન બિલ હેઠળ લોકસભાની બેઠકો ૫૪૩ થી વધારીને ૮૫૦ કરવાની યોજના છે. સંસદના આગામી વિશેષ સત્ર અને બંધારણીય સુધારા માટે જરૂરી બે-તૃતીયાંશ બહુમતીના આંકડાકીય સમીકરણો વચ્ચે, મહારાષ્ટ્રના આ રાજકીય સમીકરણોએ રાષ્ટ્રીય રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે.

રાજકારણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES