ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની (GLPC) દ્વારા દીનદયાલ અંત્યોદય યોજના - નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન હેઠળ ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરમાં આયોજિત ૨૩૬ સરસ મેળામાં ૮,૫૦૦ કરતાં વધુ મહિલા સ્વ-સહાય જૂથોએ (SHGs) ઉત્સાહભેર ભાગ લીધો છે. વચેટિયાઓની દખલ વિના મહિલાઓને તેમની પરંપરાગત હસ્તકલા, હાથશાળની ચીજવસ્તુઓ અને સ્થાનિક ખાદ્ય પદાર્થો સીધા ગ્રાહકો સુધી પહોંચાડવા માટે એક મજબૂત વ્યાપારી મંચ પૂરો પાડવામાં આવ્યો છે, જેના પરિણામે આ જૂથોએ ૩૯ કરોડ રૂપિયાથી વધુનું વિક્રમી વેચાણ હાંસલ કર્યું છે.
આ પહેલીવાર પ્રવાસન ક્ષેત્રે વિસ્તારવામાં આવી રહી છે, જેના અંતર્ગત કચ્છના વૈશ્વિક સ્તરે જાણીતા રણોત્સવમાં આગામી ૫ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી દરમિયાન વિશેષ 'સખી ક્રાફ્ટ બજાર'નું આયોજન કરવામાં આવ્યું છે. આ બજારમાં ૧૦૦ હસ્તકલાના સ્ટોલ અને ૧૦ ફૂડ સ્ટોલ સહિત કુલ ૧૧૦ સ્ટોલ ઊભા કરવામાં આવશે. રોટેશન પદ્ધતિથી યોજાનારા આ આયોજનમાં ૬૫૦થી વધુ મહિલાઓ ભાગ લેશે અને દર ૧૫ દિવસે મહિલા જૂથો બદલાતા રહેશે, જેથી વધુમાં વધુ મહિલાઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી રહે. આ નવતર પ્રયોગથી પ્રવાસીઓ પણ ગુજરાતની સમૃદ્ધ ગ્રામીણ સંસ્કૃતિ અને કલાથી પરિચિત થઈ શકશે.
ચાલુ વર્ષે તહેવારોની મોસમમાં આ મહિલા જૂથોના વ્યવસાયમાં अभૂતપૂર્વ તેજી જોવા મળી છે. શ્રાવણ મહિના દરમિયાન યોજાયેલા સાત મેળાઓમાં ૧.૩ કરોડ રૂપિયા અને નવરાત્રી અગાઉના મેળાઓમાં બે કરોડ રૂપિયાથી વધુનું વેચાણ નોંધાયું હતું. આ ઉપરાંત, અમદાવાદ અને રાજકોટ ખાતે તાજેતરમાં જ યોજાયેલા સરસ મેળાઓ વ્યાપારી દ્રષ્ટિએ અત્યંત સફળ સાબિત થયા હતા, જ્યાં ૬૪૮ ગ્રામીણ મહિલાઓએ સંયુક્ત રીતે ૮.૬ કરોડ રૂપિયાનું માલ-વેચાણ કર્યું હતું. સરકારના આ સાર્થક પ્રયાસોથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળ્યો છે અને મહિલાઓ પોતાના પરિવારો માટે આર્થિક સહારો બનીને સમાજમાં સ્વાભિમાની જીવન જીવી રહી છે.
