ભાણવડ શહેરની ભાગોળે આવેલું સુપ્રસિદ્ધ અને પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિર હંમેશાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ ત્રિપુરા પૂનમના પર્વને અહીં 'મહાદેવની દિવાળી' તરીકે મનાવવામાં આવતો હોવાથી શ્રદ્ધાળુઓ માટે તેનું વિશેષ મહત્ત્વ છે. આ પવિત્ર દિવસની શરૂઆતથી જ મંદિરમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ભોળાનાથના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આખો દિવસ મંદિરમાં ધાર્મિક વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને શિવનામ ધૂનથી પરિસર ગુંજી ઉઠ્યું હતું.
ઉત્સવના ભાગરૂપે સાંજના સમયે મંદિર પરિસરમાં મનમોહક રંગોળીઓ સજાવવામાં આવી હતી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારબાદ બેન્ડ પાર્ટીની સુરાવલીઓ વચ્ચે સંધ્યાકાળે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. આરતીના અલૌકિક સમયે હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ 'હર હર મહાદેવ'ના જયઘોષ સાથે ભક્તિભાવપૂર્વક દર્શનનો લાભ લીધો હતો. આ અવસરે ફટાકડાનું વિતરણ કરીને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ દિવાળી પર્વ જેવું દીપી ઉઠ્યું હતું.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે પ્રહલાદભાઈ ભટ્ટ, હિરાબેન વારોતરીયા, કિરણબેન અત્રી અને મુકેશભાઈ સોલંકી સહિત મંદિર ટ્રસ્ટ, સત્સંગ મંડળ અને શુભેચ્છક મિત્ર મંડળના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી તમામ વ્યવસ્થાઓ સુપેરે સંભાળી હતી. ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ ભાવિક ભક્તજનો માટે મહાપ્રસાદ સ્વરૂપે ફરાળી પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી,જનોએ ધર્મલાભની સાથે પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી.
