JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

પહેલી ડિસેમ્બરથી દેશમાં લાગુ થશે પાંચ મોટા ફેરફારો, સામાન્ય માનવીના બજેટ પર પડશે સીધી અસર

પહેલી ડિસેમ્બરથી દેશમાં લાગુ થશે પાંચ મોટા ફેરફારો, સામાન્ય માનવીના બજેટ પર પડશે સીધી અસર
આગામી પહેલી ડિસેમ્બરથી ગેસના ભાવ, એસબીઆઈ ક્રેડિટ કાર્ડના ચાર્જ, કારની કિંમતો, સેબીના માર્જિન નિયમો અને જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં મહત્ત્વના બદલાવ થવા જઈ રહ્યા છે.

નવેમ્બર મહિનાની વિદાયની સાથે જ આગામી પહેલી ડિસેમ્બરથી દેશભરમાં નાણાકીય અને વહીવટી સ્તરે અનેક મોટા બદલાવો થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર આમ આદમીના દૈનિક જીવન અને માસિક બજેટ પર પડશે. દર મહિનાની જેમ આ વખતે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડર અને એટીએફ (હવાઈ ઇંધણ)ના ભાવની સમીક્ષા કરશે. આ ફેરફારોથી ઘરના રસોડાથી લઈને હોટેલ અને રેસ્ટોરન્ટના વ્યવસાયિક ખર્ચ પર સીધી અસર જોવા મળી શકે છે. આર્થિક મોરચે થનારા આ ફેરફારોને કારણે નાગરિકોએ હવે પોતાના નાણાકીય આયોજનમાં વિશેષ ધ્યાન આપવું પડશે.

ગ્રાહકોને મોટો આંચકો આપતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા ક્રેડિટ કાર્ડના ઉપયોગ અંગેના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. આગામી પહેલી તારીખથી અમલમાં આવનારા આ નવા નિયમ મુજબ, ક્રેડિટ કાર્ડ દ્વારા ૩૦,૦૦૦ રૂપિયાથી વધુના ટ્રાન્સપોર્ટેશન અને ૫૦,૦૦૦ રૂપિયા સુધીના ફ્યુઅલ ખર્ચ પર વધારાનો ૧ ટકા ચાર્જ વસૂલવામાં આવશે. બીજી તરફ, જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે પણ ખિસ્સું હળવું કરવાનો સમય આવી ગયો છે. ટાટા મોટર્સ સહિતની અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓએ પેસેન્જર વ્હીકલ્સના ભાવમાં ૦.૫ ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે, જેમાં પેટ્રોલ, ડીઝલ તેમજ ઇલેક્ટ્રિક વાહનો પણ સામેલ છે.

વ્યવસાયિક અને ટેક્સ ક્ષેત્રે પણ કડક નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં સેબી દ્વારા કમોડિટી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ માટે માર્જિનના નવા નિયમો જાહેર કરાયા છે, જેમાં બજારની અસ્થિરતા મુજબ ટ્રેડર્સે ૬ થી ૧૦ ટકા સુધીનું પ્રારંભિક માર્જિન જમા કરાવવું પડશે. આ ઉપરાંત સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા જીએસટી રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયામાં પણ મહત્ત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. હવે માત્ર યોગ્ય અરજીઓ પર જ કોમન પોર્ટલ દ્વારા ઓટોમેટિક પ્રક્રિયા થશે, જ્યારે બાકી રિટર્ન કે પેમેન્ટવાળા શંકાસ્પદ કિસ્સાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES