દિલ્હીમાં સોના ગ્રુપના ઉત્તરાધિકારી સ્વર્ગસ્થ સંજય કપૂરના પરિવાર વચ્ચે ચાલતી અબજો રૂપિયાની મિલકતોની વહેંચણી અને વારસાગત વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે અગાઉ મોટું પગલું ભર્યું હતું. આ મામલે મધ્યસ્થી કરવા માટે કોર્ટે મે મહિનામાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડની નિમણૂક કરી હતી. જો કે, અદાલતે તાજેતરમાં ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની બેંચ સમક્ષ રજૂ કરાયેલા અહેવાલની નોંધ લીધા બાદ આ પ્રક્રિયા સત્તાવાર રીતે સમાપ્ત કરી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પક્ષ પર સમાધાન માટે દબાણ કરી શકાતું નથી અને હવે તમામ પક્ષકારોએ કાનૂની લડાઈ માટે તૈયાર રહેવું પડશે.
આ લાંબી મધ્યસ્થી પ્રક્રિયા નિષ્ફળ જવા પાછળ મુખ્યત્વે બે મોટા મતભેદો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. એક તરફ સંજય કપૂરના માતા રાણી કપૂરના આર્થિક દાવાઓ છે, તો બીજી તરફ અભિનેત્રી કરિશ્મા કપૂર સાથેના સંજય કપૂરના અગાઉના લગ્નના બે બાળકોની ફેમિલી ટ્રસ્ટમાંથી બહાર નીકળવાની પદ્ધતિઓ અંગેનો વિવાદ છે. સુનાવણી દરમિયાન રાણી કપૂરના વકીલે જણાવ્યું હતું કે તેમની ૮૧ વર્ષીય અસીલે છ હજાર કરોડ રૂપિયાનો દાવો રજૂ કર્યો હતો, પરંતુ સામે પક્ષે છ મહિના સુધી કોઈ કાઉન્ટર-પ્રસ્પોલ મળ્યો ન હતો. આ સામે બીજા પક્ષના વકીલોએ દલીલ કરી હતી કે રાણી કપૂર તેમની વહુ પ્રિયા સચદેવ કપૂર સાથે સંયુક્ત બેઠકમાં બેસવા તૈયાર નહોતા અને મિટિંગ છોડીને ચાલ્યા ગયા હતા.
વિવાદનું કદ કેટલું વિશાળ છે તેનો અંદાજ તે વાત પરથી આવે છે કે અદાલતમાં વિવિધ પક્ષો દ્વારા અલગ-અલગ મોટા દાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સંજય કપૂરના બાળકો ૨૪ થી ૨૬ ટકા હિસ્સાના હકદાર હોવાનો દાવો કરાયો, જ્યારે પ્રિયા કપૂરના વકીલ મુજબ તેમને ૬૦ ટકા અને બાકીનો ભાગ બાળકો વચ્ચે વહેંચાવો જોઈએ. સોના ગ્રુપની સંપત્તિનું કુલ મૂલ્ય આશરે ૩૦,૦૦૦ કરોડ રૂપિયા હોવાનું મનાય છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે સુપ્રીમ કોર્ટ દિલ્હી હાઈકોર્ટને પારિવારિક ટ્રસ્ટની સંપત્તિના રક્ષણ અને જાળવણી માટે વહેલી તકે વચગાળાની અરજી પર વિચારણા કરવા વિનંતી કરતો આદેશ જલ્દીથી પસાર કરશે.
