JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ખંભાળિયા નગરપાલિકાના ભ્રષ્ટાચાર મામલે કલેક્ટર લાલઘૂમ, ચીફ ઓફિસરને ફટકારી નોટિસ

ખંભાળિયા નગરપાલિકાના ભ્રષ્ટાચાર મામલે કલેક્ટર લાલઘૂમ, ચીફ ઓફિસરને ફટકારી નોટિસ
ખંભાળિયા નગરપાલિકાના વિકાસના કામોમાં વ્યાપક ગોબાચારી અને કમિશનરના આદેશની અવગણના બાબતે જિલ્લા કલેક્ટરે ગંભીર નોંધ લીધી છે. સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જવાબદાર અધિકારીને તેડું મોકલીને તાકીદે તપાસ અને કાર્યવાહી કરવા કડક આદેશ આપ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં હાથ ધરવામાં આવતા વિવિધ વિકાસકીય કાર્યોની ગુણવત્તા સામે લાંબા સમયથી સવાલો ઉઠી રહ્યા હતા. પાલિકા દ્વારા થતા કામો નિયમ અનુસાર અને યોગ્ય ધોરણો મુજબ ન થતા હોવાની ફરિયાદો ઉચ્ચ કક્ષા સુધી પહોંચી હતી. સ્થાનિક જાગૃત નાગરિક અને વિપ્ર અગ્રણી તથા કોંગ્રેસના જિલ્લા આગેવાન કપિલ ત્રિવેદી દ્વારા આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરથી માંડીને રાજ્યના કમિશનર સુધી સત્તાવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને અગાઉ કમિશનર દ્વારા વિવાદાસ્પદ કામોના પેમેન્ટ અટકાવી દેવા માટેના સ્પષ્ટ આદેશો પણ જારી કરવામાં આવ્યા હતા.

પરંતુ, સ્થાનિક તંત્રની નિદ્રાધીન કામગીરીના કારણે કમિશનરના આદેશોને પણ કાગળ પર જ રાખીને ઘોળીને પી જવામાં આવ્યા હતા અને પેમેન્ટ રોકવાની કોઈ જ તસ્દી લેવામાં આવી ન હતી. આ ગંભીર બેદરકારી સામે રોષે ભરાયેલા ફરિયાદી કપિલ ત્રિવેદીએ આ મુદ્દો જિલ્લા 'સ્વાગત' ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સચોટ પુરાવાઓ સાથે ઉઠાવ્યો હતો. અગાઉની બેઠકોમાં જવાબદાર અધિકારીઓ ગેરહાજર રહેતા અથવા તો નીચલા સ્તરના કર્મચારીઓને મોકલી આપીને જવાબદારીમાંથી છટકબારી શોધવાનો પ્રયાસ કરતા હોવાથી સમગ્ર મા્રમે તંત્રની લાપરવાહી ઉજાગર થઈ હતી.

આ બાબતથી ગંભીર નારાજગી વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ કડક રૂખ અપનાવીને ઇન્ચાર્જ ચીફ ઓફિસરને તાત્કાલિક હાજર રહેવા માટે નોટિસ ફટકારી હતી. તાજેતરમાં યોજાયેલી 'સ્વાગત' સુનાવણી દરમિયાન ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા ફરજિયાત ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કલેક્ટરે અરજદારની હાજરીમાં જ તમામ ફરિયાદોની ગંભીર નોંધ લીધી હતી. કલેક્ટર દ્વારા આ સમગ્ર પ્રકરણમાં ત્વરિત અને निष्पક્ષ તપાસ કરીને નિયमानुसार કડક કાર્યવાહી કરવાના આદેશ અપાતા ચીફ ઓફિસરે પણ તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES