JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

શિવરાજપુર બીચના ફેઝ-૧ અને ફેઝ-૨ના વિકાસકાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે લોકાર્પણ

શિવરાજપુર બીચના ફેઝ-૧ અને ફેઝ-૨ના વિકાસકાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે લોકાર્પણ
દેવભૂમિ દ્વારકાના વિશ્વવિખ્યાત શિવરાજપુર બીચને વૈશ્વિક કક્ષાએ વિકસાવવાની દિશામાં વધુ એક પગલું ભરવામાં આવ્યું છે. આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ફેઝ-૧ અને ફેઝ-૨ના વિવિધ પ્રવાસી સુવિધાના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

દ્વારકાથી માત્ર ૧૦ કિલોમીટર દૂર આવેલો શિવરાજપુર બીચ પોતાની પ્રાકૃતિક સ્વચ્છતા, સુંદરતા અને શાંતિ માટે દેશ-વિદેશના પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ બીચને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર વિકસિત કરવામાં આવી રહ્યો છે, જેથી અહીં આવનારા પ્રવાસીઓને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળી રહે. આ ભગીરથ પ્રયાસ અંતર્ગત પ્રવાસન નિગમ દ્વારા ફેઝ-૧ અને ફેઝ-૨ હેઠળની તમામ આધુનિક સુવિધાઓનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂરું કરી દેવામાં આવ્યું છે, જેનું ભવ્ય લોકાર્પણ આગામી શનિવારે મુખ્યમંત્રીના હસ્તે થાય તેવી પ્રબળ સંભાવના છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-૧ માં અંદાજે ૨૩.૮૩ કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસીઓ માટે અનેકવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેમાં અરાઈવલ પ્લાઝા, સ્નોર્કલીંગ પ્લાઝા, સાયકલ ટ્રેક, પ્રોમોનેડ, લોકર રૂમ, આધુનિક પાથ-વે, સાઈનેજીસ, પીવાના પાણીની વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ, ટોઈલેટ બ્લોક, ચેન્જીંગ રૂમ તેમજ ભૂગર્ભ ટેન્ક અને સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા મહત્વપૂર્ણ કાર્યોનો સમાવેશ થાય છે. અગાઉ અમુક કામો પૂર્ણ થયા બાદ લોકાર્પણ કરાયું હતું, પરંતુ હવે આ તબક્કાના બાકી રહેલા તમામ કાર્યો પણ પૂર્ણ થઈ ચૂક્યા છે.

બીજી તરફ, ફેઝ-૨ અંતર્ગત અંદાજે ૭૮.૮૫ કરોડ રૂપિયાના જંગી ખર્ચે પ્રવાસીઓના મનોરંજન અને સુવિધા માટે અત્યાધુનિક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ભવ્ય ઈવેન્ટ ગ્રાઉન્ડ, એમ્ફિથિયેટર, કોર્ટ રિસ્ટોરેશન, બોર્ડ વોક, સેફ્ટી માટે લાઈફ ગાર્ડ ટાવર, આકર્ષક ડેક્સ અને બીચ લાઈટીંગ મુખ્ય છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે રેસ્ટોરન્ટ, કિયોસ્ક, શૌચાલય, શાવર રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, હોર્ટિકલ્ચર અને ગ્રીનરીના કાર્યો તેમજ મજબૂત સિક્યોરીટી કેબિન અને ફેન્સિંગ જેવી સુવિધાઓથી આ બીચ સજ્જ બન્યો છે, જે પ્રવાસન ક્ષેત્રે નવો સીમાચિહ્ન રૂપ સાબિત થશે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES