તમિલનાડુના મદુરાઈ સ્થિત તિરુપારનકુંડ્રમ પહાડી વિસ્તારમાં કાર્તિકાઈ દીપમ પર્વ નિમિત્તે દીવો પ્રગટાવાના મામલે સર્વોચ્ચ અદાલતે એક મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે અગાઉના પોતાના આદેશનું પાલન ન થવાને ગંભીરતાથી લેતા શનિવારે મૂળ વિવાદિત દીપથૂન સ્તંભ પર જ પરંપરાગત રીતે દીવો પ્રગટાવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. અગાઉ 24 નવેમ્બરે વચગાળાની મંજૂરી અપાઈ હોવા છતાં સ્તંભને બદલે અન્ય સ્થળે દીવો પ્રગટાવાયો હતો, જેને અદાલતે ન્યાયિક આદેશની અવગણના ગણાવી છે. આ સાથે જ કોર્ટે અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી મંદિરના ટ્રસ્ટી મંડળને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધું છે.
આ સમગ્ર સંવેદનશીલ કેસમાં વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને આદેશની અવગણના સામે આકરા પગલાં લેતા સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના બે નિવૃત્ત ન્યાયાધીશો જસ્ટિસ એસ. વૈદ્યનાથન અને જસ્ટિસ વી. પાર્થિબનને મંદિરના રિસીવર તરીકે નિયુક્ત કર્યા છે, જેઓ હવે મંદિરનો વહીવટ સંભાળશે. આ ઉપરાંત, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ મંદિર અને પહાડી વિસ્તારની પવિત્રતા અને સુરક્ષા જાળવી રાખવા માટે તેની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) ને સોંપવામાં આવી છે જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળી શકાય.
આ મામલામાં કોર્ટે તમિલનાડુના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક (DGP) અને મદુરાઈના કલેક્ટર સહિતના ટોચના વહીવટી અધિકારીઓને કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારી છે. બેન્ચે કડક ટિપ્પણી કરી હતી કે આ અધિકારીઓએ રાજકીય નેતાઓના ઈશારે કામ કર્યું હોય તેમ લાગે છે અને રાજ્યમાં વહીવટી અરાજકતા ઊભી થઈ છે. કોર્ટે મુખ્ય સચિવને વ્યક્તિગત રીતે હાજર રહીને અધિકારીઓ વચ્ચેના કોલ રેકોર્ડ, ઈમેઈલ અને મેસેજની વિગતો સાથેનું સોગંદનામું રજૂ કરવાનો આદેશ આપ્યો છે તથા બંધારણીય વ્યવસ્થાને ડામાડોળ કરવાનો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.
