JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ઉચ્ચ ન્યાયતંત્રમાં અનામત વર્ગો અને અલ્પસંખ્યકોના નહિવત પ્રતિનિધિત્વ સામે પૂર્વ CJI બી.આર. ગવાઈએ રાષ્ટ્રપતિને પત્ર લખી વ્યક્ત કરી ચિંતા

ઉચ્ચ ન્યાયતંત્રમાં અનામત વર્ગો અને અલ્પસંખ્યકોના નહિવત પ્રતિનિધિત્વ સામે પૂર્વ CJI બી.આર. ગવાઈએ રાષ્ટ્રપતિને પત્ર લખી વ્યક્ત કરી ચિંતા
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવાઈએ ઉચ્ચ ન્યાયતંત્રમાં SC, ST, OBC અને અલ્પસંખ્યકોની ઓછી ભાગીદારી સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને નિમણૂકોમાં યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

તાજેતરમાં નિવૃત્ત થયેલા ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવાઈએ દેશના ઉચ્ચ ન્યાયતંત્ર એટલે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક તથા બદલીઓમાં પ્રવર્તતી અનિયમિતતાઓ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલવામાં આવેલા ત્રણ પાનાંના આ વિગતવાર પત્રમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, તાજેતરના સમયમાં ન્યાયિક નિમણૂકોમાં મેરિટ (યોગ્યતા) અને સર્વસમાવેશકતાના સિદ્ધાંતોને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. જસ્ટિસ ગવાઈએ પોતાના કાર્યકાળને યાદ કરતા જણાવ્યું કે તેમણે હંમેશાં સામાજિક વિવિધતા અને વંચિત વર્ગોના હિતોને પ્રાધાન્ય આપ્યું હતું, પરંતુ વર્તમાન સમયમાં કેટલાક ચોક્કસ વર્ગ કે સમુદાયના ઉમેદવારોને જ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જે બંધારણીય ભાવનાની વિરુદ્ધ છે.

પૂર્વ CJI દ્વારા રજૂ કરવામાં આવેલા સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૧૮ પછી નિમાયેલા ૭૧૫ હાઈકોર્ટના ન્યાયાધીશોમાંથી માત્ર ૨૨ જજ અનુસૂચિત જાતિ (SC), ૧૬ અનુસૂચિત જનજાતિ (ST), ૮૯ અન્ય પછાત વર્ગ (OBC) અને ૩૭ અલ્પસંખ્યક સમુદાયમાંથી આવે છે. જ્યારે સામાન્ય વર્ગ અથવા ફોરવર્ડ સમુદાયનો હિસ્સો આશરે ૮૦ ટકા જેટલો ઊંચો રહ્યો છે, ત્યારે ૪૦ થી ૫૦ ટકા વસ્તી ધરાવતા OBC વર્ગને ૧૪ ટકાથી પણ ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટની સ્થિતિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે દેશની કુલ વસ્તીના ૫ ટકાથી પણ ઓછા હિસ્સો ધરાવતા એક ચોક્કસ સમુદાયનું સર્વોચ્ચ અદાલતમાં ૪૦ ટકાથી વધુ પ્રતિનિધિત્વ રહ્યું છે, જે લાંબા સમયથી ચાલી આવતી અસંતુલિત વ્યવસ્થા તરફ ઈશારો કરે છે.

જસ્ટિસ ગવાઈએ ન્યાયાધીશોની બદલીઓ અને મુખ્ય ન્યાયાધીશની નિમણૂકોમાં પણ પક્ષપાત થતો હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે યોગ્યતાની અવગણના કરીને માત્ર એક જ સમુદાયને ખુશ કરવા માટે મનસ્વી નિર્ણયો લેવાઈ રહ્યા છે, જેના કારણે મહેનતુ અને કાબેલ ન્યાયાધીશોનું મનોબળ તૂટે છે. વડાપ્રધાન અને કાયદા મંત્રીને પણ આ પત્રની નકલો મોકલવામાં આવી છે, ત્યારે એક 'ચિંતિત નાગરિક' અને કોલેજિયમનું નેતૃત્વ કરી ચૂકેલા વ્યક્તિ તરીકે તેમણે રાષ્ટ્રપતિને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી ન્યાયતંત્રમાં સમાન પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા ભારપૂર્વક અપીલ કરી છે.

રાજકારણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES