JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાતિ પ્રમાણ સમતોલ રાખવા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. સમિતિની બેઠક યોજાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાતિ પ્રમાણ સમતોલ રાખવા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. સમિતિની બેઠક યોજાઈ
સમાજમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ જળવાઈ રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટનું કડક અમલીકરણ કરવા બાબતે એડવાઈઝરી કમિટીની બેઠક યોજવામાં આવી હતી.

ખંભાળિયા ખાતે સામાજિક કાર્યકર ડો. કાશ્મિરાબેન એન. રાયઠઠાના અધ્યક્ષ સ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લાની પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સમાજમાં સ્ત્રી અને પુરુષના જાતિ પ્રમાણમાં અસમતુલા ન સર્જાય અને સરકારના નિયમોનું યોગ્ય પાલન થાય તે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. આ બેઠક દરમિયાન જિલ્લામાં આવેલા સોનોગ્રાફી સેન્ટરોના નવા રજીસ્ટ્રેશન, સોનોગ્રાફી મશીનોની નોંધણી તેમજ અલ્ટ્રાસાઉન્ડ અને ઈમેજીંગ મશીનના ડીલરો તરફથી આવેલી અરજીઓ પર સવિસ્તર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા જિલ્લાના વિવિધ સોનોગ્રાફી સેન્ટરોની કરાયેલી સ્થળ તપાસણીના અહેવાલોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સાથે જ, જિલ્લાના વર્તમાન જાતિ પ્રમાણદરની સમીક્ષા કરીને કાયદાના સઘન અમલીકરણ માટે જરૂરી રણનીતિ ઘડવામાં આવી હતી. આ બેઠકમાં પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર કિરીટભાઈ મજીઠીયા, સરકારી વકીલ લાખાભાઈ ચાવડા, ખંભાળિયા જનરલ હોસ્પિટલના તબીબી અધિકારીઓ અને માહિતી વિભાગના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહીને મહત્વના સૂચનો આપ્યા હતા.

જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.બી. ચોબીસા દ્વારા તમામ નોંધાયેલા સરકારી અને બિનસરકારી તબીબોને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ ના નિયમો અને જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવા માટે ભારપૂર્વક સૂચના આપવામાં આવી છે. કાયદાકીય જોગવાઈઓના સખત અમલથી ભ્રૂણ હત્યા અટકાવી શકાશે અને લિંગ પ્રમાણમાં સુધારો લાવી શકાશે તેવો વિશ્વાસ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES