ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા અગાઉ આઠ-આઠ દિવસ સુધી હડતાલ પાડવામાં આવતા સમગ્ર શહેરમાં સફાઈની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. આ લાંબી હડતાલના કારણે શહેરના પ્રત્યેક માર્ગો, ચોકો અને જાહેર સ્થળો પર કચરાના ઢગલા, ગંદકી અને ઉકરડાનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું, જેના લીધે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ અને મુશ્કેલી જોવા મળતી હતી. ગંદકીના આ સામ્રાજ્યથી શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ ઊભી થઈ હતી, જેણે તંત્રની ચિંતામાં વધારો કર્યો હતો.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સ્થાનિક ધારાસભ્ય અને ચીફ ઓફિસર દ્વારા ત્વરિત અને સકારાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. તેમના વિશેષ પ્રયાસોથી નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ૧૧૦ નવા સફાઈ કામદારોની નિમણૂક કરવામાં આવી હતી અને તેમને તાબડતોબ સફાઈના કામમાં જોડી દેવામાં આવ્યા હતા. આ યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી કામગીરીના ભાગરૂપે નગરપાલિકાના પૂર્વ સેનેટરી ઈન્સ્પેકટર તથા રાજ્ય સફાઈ કર્મી મહામંડળના મહામંત્રી રમેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આગવી રણનીતિ ઘડવામાં આવી હતી.
નવા નિમાયેલ સફાઈ કામદારોએ દિવસ અને રાત્રિ એમ બંને સત્રમાં અથાક મહેનત કરીને રાત્રિ ઝુંબેશ પણ ચલાવી હતી. આ વિશેષ અભિયાન અંતર્ગત શહેરના એકેય ખૂણે કચરાનો ઢગલો ન રહે તેની કાળજી લેવાઈ હતી, છલકાતી ગટરો બંધ કરાઈ હતી અને પ્લાસ્ટિકનો કચરો તથા ઉકરડા ટ્રેક્ટરોમાં ભરીને યોગ્યિકરે નિકાલ કરવામાં આવ્યો હતો. આ સઘન સફાઈ કાર્યને કારણે ખંભાળિયા શહેર ફરીથી તેના મૂળ સ્વરૂપમાં ગંદકી અને કચરાના ઢગલામાંથી મુક્ત બનતા સ્થાનિક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે અને તંત્રની આ કામગીરીને વધાવી છે.
