રાજકોટ શહેરમાં અચાનક સ્વાસ્થ્ય બગડવાના કારણે બે અલગ-અલગ જગ્યાએ આધેડ વયના વ્યક્તિઓના મૃત્યુ થયાની હૃદયાધ્રાવક ઘટનાઓ સામે આવી છે. પ્રથમ બનાવ મોરબી રોડ પર આવેલા ઓમ પાર્ક વિસ્તારનો છે, જ્યાં ૫૫ વર્ષીય જયેન્દ્રભાઈ ગોવિંદભાઈ બોખાણી નામના આધેડ પોતાના ઘરે હાજર હતા તે દરમિયાન અચાનક બેભાન થઈ ગયા હતા. પરિવારજનો કે આસપાસના લોકો કઈ સમજે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું, જેને લઈને સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી રોડ પર મૃત્યુ પામેલા જયેન્દ્રભાઈ મહાનગરપાલિકામાં પ્યુન તરીકે પોતાની ફરજ બજાવતા હતા. તેઓ લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા અને આ બીમારીના કારણે જ તેમની તબિયત અચાનક વધુ લથડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. બીમારી અને અચાનક આવેલા આઘાતે પરિવારને ભારે આઘાતમાં મૂકી દીધો છે.
આ જ પ્રકારે બીજા કરૂણ બનાવમાં લાપસરી રોડ પર કોઠારીયા રણુજા મંદિર સામે આવેલા એક સ્ટોન ક્રસર ભરડીયા પર મજૂરી કામ કરતા ૪૮ વર્ષીય સુખાજી મોતીજી ઠાકોર અચાનક બેભાન થઈ ગયા હતા. મૂળ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભાડાની મુવાડી ગામના વતની એવા સુખાજી અહીં રોજીરોટી મેળવવા માટે મજૂરી કરતા હતા. કામ દરમિયાન બનેલી આ ઘટના બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તબીબો અને ઉપસ્થિતો દ્વારા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કામકાજ દરમિયાન આવેલા ગંભીર હાર્ટ અટેકને કારણે તેમનું મૃત્યુ થયું છે.
