JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

ચાલતી ટ્રેનના એ.સી. કોચમાં ધાર્મિક વિધિ: દીવો પ્રગટાવી અને શંખ ફૂંકવાનો વીડિયો વાયરલ થતાં રેલવેએ તપાસ હાથ ધરી

ચાલતી ટ્રેનના એ.સી. કોચમાં ધાર્મિક વિધિ: દીવો પ્રગટાવી અને શંખ ફૂંકવાનો વીડિયો વાયરલ થતાં રેલવેએ તપાસ હાથ ધરી
ભારતીય રેલવેની ચાલતી ટ્રેનના એ.સી. કોચમાં બે સીટ વચ્ચે અસ્થાયી મંદિર બનાવી દીવો પ્રગટાવવા અને શંખ ફૂંકવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. આ જોખમી પ્રવૃત્તિને લઈને સોશિયલ મીડિયા પર ભારે રોષ ફેલાયો છે અને રેલવે પ્રશાસને પણ આ માળે કડક પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે.

ભારતમાં મુસાફરી કરતી વખતે ટ્રેનને જ પોતાનું ઘર માની લેવાની માનસિકતાના અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, પરંતુ તાજેતરની એક ઘટનાએ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક પેસેન્જરે ચાલતી ટ્રેનના એ.સી. કોચની અંદર બે સીટ વચ્ચેના પ્લેટફોર્મ પર ભગવાનની મૂર્તિ અને તસવીરો સ્થાપિત કરીને જાણે પૂજાઘર જ બનાવી દીધું છે. કાળી ધોતી પહેરેલા અને શરીર પર ભભૂતિ ચોપડેલા આ મુસાફરે બેઠક વચ્ચેના સામાન મૂકવાના ટેબલ પર દીવો પ્રગટાવ્યો છે, ફૂલો પાથરીને આરતીની થાળી સજાવી છે અને ખુલ્લેઆમ શંખ પણ ફૂંકી રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ગોડ ઑફ વોર' નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યા બાદ આગની જેમ ફેલાઈ ગયો છે. ટ્રેનના અત્યંત સંવેદનશીલ અને એ.સી. જેવા બંધ કમ્પાર્ટમેન્ટમાં ખુલ્લો દીવો પ્રગટાવવો એ પ્રવાસીઓની જાનમાલ માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે. સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો શેર કરીને તીખી પ્રતિક્રિયા આપી છે કે આવી બેજવાબદાર પ્રવૃત્તિઓ પર રેલવે તંત્ર તાત્કાલિક ધોરણે કોઈ જ કેમ પગલાં નથી લઈ રહ્યું? જનતાએ સવાલ ઉઠાવ્યો છે કે શું રેલવેનો સ્ટાફ કોઈ મોટી દુર્ઘટના કે આગ લાગે તેની રાહ જોઈને બેઠો છે?

આ ગંભીર મામલો રેલવે પ્રશાસનના ધ્યાને આવતા જ તંત્ર હરકતમાં આવ્યું છે. વીડિયો વાયરલ કરનાર સોશિયલ મીડિયા અકાઉન્ટ પાસેથી રેલવેએ આ ઘટના સંબંધિત વધુ વિગતો અને માહિતી માંગી છે, જેથી જવાબદાર મુસાફરની ઓળખ કરીને તેના વિરુદ્ધ યોગ્ય કાનૂની અને રેલવે નિયમો અનુસાર દંડાત્મક કાર્યવાહી કરી શકાય. ટ્રેનમાં મુસાફરી દરમિયાન સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાડતી આ ઘટનાએ રેલવે પ્રવાસીઓની શિસ્ત અને સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે.

વાયરલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES