JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

રાજકોટના નર્મદા પાર્કમાં મિત્રો સાથે પાર્ટી કરી રહેલો બિલાલ ઉઠામણા હથિયાર સાથે એસઓજીના સકંજામાં

રાજકોટના નર્મદા પાર્કમાં મિત્રો સાથે પાર્ટી કરી રહેલો બિલાલ ઉઠામણા હથિયાર સાથે એસઓજીના સકંજામાં
રાજકોટના પંડિત દીનદયાળ રોડ પર આવેલ નર્મદા પાર્ક ફ્લેટમાં મિત્રો સાથે પાર્ટી માણી રહેલા બિલાલ ઉઠામણાને એસઓજીની ટીમે દેશી પિસ્તોલ અને કાર્ટિચ સાથે ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરના આધારે પોલીસે આ સફળ રેડ કરી કુખ્યાત ગેંગના કનેક્શનનો પર્દાફાશ કર્યો છે.

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવા તેમજ ગેરકાયદેસર હથિયારો અને ડ્રગ્સની હેરાફેરી ડામવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌધરીની રાહબરી હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે નર્મદા પાર્ક વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર હથિયાર સાથે હાજર છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક દરોડો પાડીને દૂધસાગર રોડ પર રહેતા બિલાલ દિલાવર ઉઠામણા નામના શખ્સને ઝડપી લીધો હતો.

પોલીસે પકડાયેલા શખ્સની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટિચ મળી આવ્યા હતા, જેને પોલીસે કબજે કરીને સઘન પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે બિલાલ તેના ચોટીલાસ્થિત સસરા અને કુખ્યાત અવેશ ગની સાથે ચાલી આવતી જૂની માથાકૂટના પાયામાં આ હથિયાર રાખતો હતો. આ ગેરકાયદેસર હથિયાર તેને કુખ્યાત પેંડા ગેંગના સાગરીત અને અગાઉ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ઇમરાન ઉર્ફે બાપુડીએ આપ્યું હોવાનું ખુલ્યું હતું, જે તાજેતરમાં જ એક મહિના પહેલા જેલમાંથી છૂટ્યો છે.

આ સમગ્ર મામલાનો પર્દાફાશ થવા પાછળ સોશિયલ મીડિયાની ભૂમિકા મહત્વની રહી હતી. બિલાલ થોડા દિવસો પહેલા ચોટીલા ખાતે માથાકૂટ કરવા ગયો હતો ત્યારે તેના મિત્રએ સ્નેપચેટ પર હથિયાર સાથેનો તેનો ફોટો પાડીને સ્ટોરીમાં અપલોડ કરી દીધો હતો, જેની ગંધ પોલીસને આવી ગઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે વોચ ગોઠવીને જ્યારે બિલાલ પોતાના મિત્રો સાથે ફ્લેટમાં પાર્ટી કરી રહ્યો હતો, ત્યારે જ તેને દબોચી લીધો હતો. હાલ પોલીસે હથિયાર સપ્લાય કરનાર ઇમરાન ઉર્ફે બાપુડીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાયરલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES