નવી દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચે બહુચર્ચિત ફિલ્મ 'રામાયણ: રાઈઝ ઓફ એ લેજેન્ડ'ની રિલીઝ અને તેના પૌરાણિક તથ્યોને પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોય માલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી આ બેન્ચે અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણીની જરૂરિયાત સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ પ્રકારના વિવાદો ઉભા કરીને ન્યાયતંત્રના સમયનો દુરુપયોગ કરવો યોગ્ય નથી.
અરજદાર તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે ફિલ્મ નિર્માતાઓએ મહાકાવ્ય રામાયણના ચિત્રણમાં પૌરાણિક તથ્યો સાથે ચેડા કર્યા છે, જેનાથી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ શકે છે. આ આરોપોનો જવાબ આપતા જસ્ટિસ બાગચીએ સ્પષ્ટ કર્યું કે નિર્માતાઓએ તેમની પોતાની સમજ અને દ્રષ્ટિકોણના આધારે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. જો અરજદાર કે અન્ય કોઈ વ્યક્તિને આ વિષે અલગ મત હોય, તો તેઓ પોતાની વિચારસરણી મુજબ અન્ય કોઈ ફિલ્મ બનાવવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
આ મામલે ચીફ જસ્ટિસે પણ સહમતી દર્શાવતા અરજદારને આડેહાથ લીધા હતા અને કહ્યું કે જો મહાકાવ્યને લઈને તમારો કોઈ અલગ કે વિશેષ દ્રષ્ટિકોણ છે, તો તમે તેના પર આધારિત નવી ફિલ્મ બનાવી શકો છો, પરંતુ ન્યાયાલયના મંચનો ઉપયોગ આ પ્રકારે સમય બરબાદ કરવા માટે ન થવો જોઈએ. અંતે, કોર્ટે આ મામલે કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો, કારણ કે ફિલ્મ અગાઉથી જ દર્શકો સમક્ષ આવી ચૂકી છે અને લોકો તેને પોતપોતાની રીતે સ્વીકારી રહ્યા છે.
