રાજકોટ શહેરના સોની બજાર વિસ્તારમાં આવેલી સાંઇબાબા રિફાઇનરીમાંથી પ્રશાંતભાઈ ઉત્તમભાઈ મેટકરી નામના વેપારી ગત ૨૩ તારીખના રોજ સવારના સુમારે શુદ્ધ ચાંદીના ઝીણા દાણા પ્લાસ્ટિકની અલગ-અલગ ત્રણ થેલીઓમાં ભરીને પોતાના એક્ટિવા વાહનમાં લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની પાસે રહેલા ત્રણ બાચકા પૈકી ૨૦ કિલો શુદ્ધ ચાંદીના દાણા ભરેલું આશરે ૩૨ લાખ રૂપિયાની કિંમતનું એક બાચકુ સંત કબીર રોડ પર ત્રિવેણી ગેટ પાસેથી અજાણતાં નીચે રસ્તા પર પડી ગયું હતું. વેપારીને આ વાતની જાણ થતા તેમણે તાત્કાલિક પોલીસને સમગ્ર માની જાણ કરી હતી, જેના પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને વેપારીના આવાગમનના સમગ્ર રૂટ પર તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી બી.બી. બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમોએ ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી. પોલીસ ટીમ દ્વારા વેપારી જ્યાંથી નીકળ્યા હતા તે તમામ સ્થળોના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ સઘન તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખ સબાડ તેમજ કોન્સ્ટેબલ મહાવિરસિંહ જાડેજા અને કિશન પાંભરને ફૂટેજના આધારે મળી આવ્યું હતું કે સંત કબીર રોડ પર ત્રિવેણી ગેટ પાસે પડેલું આ કિંમતી બાચકુ એક શંકાસ્પદ શખ્સ ઉઠાવીને લઈ ગયો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનીક બાતમીદારોની મદદથી આ શખ્સની ઓળખ મેળવી લીધી હતી.
પોલીસે તપાસના આધારે ગઢીયાનગર શેરી નંબર ૬ માં રહેતા ૪૫ વર્ષીય રાજેશ મોહનભાઈ રાઠોડ નામના શખ્સ સુધી પહોંચીને તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૩૨ લાખ રૂપિયાની કિંમતનો પૂરેપૂરો ૨૦ કિલો ચાંદીનો જથ્થો હેમખેમ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી રાઠોડે એવું રટણ કર્યું હતું કે રસ્તા પર રેઢું પડેલું બાચકુ જોઈને તેની દાનત બગડી હતી અને તે તેને ઉઠાવીને ઘરે લઈ ગયો હતો. જો કે, સામાન્ય પ્રામાણિકતા દાખવવાના બદલે લાલચમાં ફસાયેલા આ શખ્સની ગણતરી ક્રાઈમ બ્રાન્ચની સતર્કતાએ નિષ્ફળ બનાવી દીધી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
