જામનગર મહાનગરપાલિકા દ્વારા ટાઉનહોલ ખાતે સંચાલિત આધાર કાર્ડ કેન્દ્ર પર છેલ્લા ૧૦ મહિનાથી બાળકોના આધાર કાર્ડ બનાવવાની મહત્વપૂર્ણ કામગીરી સંપૂર્ણપણે બંધ છે. મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ સેન્ટરો પર પ્રવર્તતી આ લાંબી અવ્યવસ્થાના કારણે નવજાત બાળકોથી લઈને શાળાકીય બાળકોના વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળા પ્રવેશ તેમજ અન્ય સરકારી યોજનાકીય કામો માટે આધાર કાર્ડ અનિવાર્ય હોવા છતાં સ્થાનિક સ્તરે આ સેવા લાંબા સમયથી બંધ રહેલી હોવાથી લોકોમાં રોષની લાગણી પ્રસરી છે, છતાં જવાબદાર લોકપ્રતિનિધિઓ આ ગંભીર પ્રત્યે આંખમીંચામણા કરી રહ્યા છે.
આ મામલે સત્તાવાર સ્પષ્ટતા આપતા તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે આધાર કાર્ડની કામગીરી માટે સરકારની માર્ગદર્શિકા અત્યંત કડક અને નિયમબદ્ધ છે. અગાઉના ઓપરેટરને સસ્પેન્ડ કર્યા બાદ નિયમો અનુસાર નવા ઓપરેટરની નિમણૂક માટે ફરજિયાત પરીક્ષા પાસ કરવી પડે છે, જેના કારણે પ્રક્રિયામાં વિલંબ થયો હતો. જોકે રાહતના સમાચાર એ છે કે તાજેતરમાં જ એક યુવતીએ આ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી લીધી છે, અને તંત્ર દ્વારા ટૂંક સમયમાં જ ટાઉનહોલ ખાતે બાળકોના આધાર કાર્ડ બનાવવાની સેવા પુનઃધમધમતી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
મહાનગરપાલિકા ઉપરાંત સમગ્ર જામનગર જિલ્લાના ગ્રામ્ય અને તાલુકા પંચાયતના વિસ્તારોમાં પણ આધાર કેન્દ્રોની સ્થિતિ પડ્યા પર પાટૂ સમાન સાબિત થઈ રહી છે. જિલ્લા પંચાયતનું ઘટક-૧ નું કેન્દ્ર લાંબા સમયથી બંધ છે, જ્યારે તાલુકા પંચાયતના કેન્દ્રમાં વારંવાર સર્વર ડાઉન કે સોફ્ટવેર અપડેટના ધાંધિયા રહે છે. બીજી તરફ લાલપુર અને જામજોધપુર જેવા મહત્વના તાલુકાઓમાં પણ આધાર સેન્ટરો બંધ હાલતમાં છે, જ્યારે ધ્રોળ, જોડિયા અને કાલાવડમાં કેન્દ્રો કાર્યરત છે. સરકારી તંત્રની આ અસંકલિત કામગીરીને કારણે સામાન્ય નાગરિકોને એક આધાર કાર્ડ કઢાવવા માટે પણ ધક્કા ખાવાની સાથે ભારે આર્થિક અને માનસિક ત્રાસ સહન કરવો પડી રહ્યો છે.
