જામનગર શહેરના વ્યસ્ત ગણાતા નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ નામની જાણીતી પેઢી સામે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતી ગંભીર બેદરકારી સામે આવી છે. થોડા દિવસો પહેલાં એક ગ્રાહકે આ દુકાનમાંથી ચવાણાનું પેકેટ ખરીદ્યું હતું, જે પરિવાર દ્વારા ખાવામાં આવી રહ્યું હતું. અડધું પેકેટ ખાધા બાદ અચાનક પેકિંગની અંદર તળાયેલી હાલતમાં એક મૃત ગરોળી નજરે પડતા પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. આટલી મોટી બ્રાન્ડ અને લોકપ્રિય દુકાનમાં આવી અખાદ્ય અને જોખમી વસ્તુ મળવાથી ગ્રાહક સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક આ બાબતે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનો સંપર્ક સાધીને રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાના ફૂડ શાખાના મુખ્ય અધિકારી નિલેશ પી. જાસીલિયા અને તેમની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ગ્રાહકને સાથે રાખીને સબંધિત દુકાન પર પહોંચી હતી. અધિકારીઓની ઉપસ્થિતિમાં જ્યારે તે જ પેકેટ ખોલીને બતાવવામાં આવ્યું ત્યારે તેમાં મૃત ગરોળી સ્પષ્ટ જોઈ શકાઈ હતી, જેને પગલે ફૂડ વિભાગની ટીમે દુકાન અને અંદર આવેલા ફરસાણ બનાવવાના રસોડાની સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન રસોડામાં ફરસાણના ઉત્પાદન માટે વપરાતું વાસી અને બગડેલું તેલ પણ મળી આવ્યું હતું, જેને લઈને તંત્રએ ત્વરિત કાર્યવાહી કરી ખાદ્યચીજોના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.
આ તપાસમાં રસોડાની નબળી સ્વચ્છતા અને ગંભીર બેદરકારી પકડાઈ હતી, જેમાં રસોડાની બારીઓ ખુલ્લી હોવાથી ગરોળી કે અન્ય જીવજંતુઓ સરળતાથી અંદર પ્રવેશી શકે તેવી ખામી સામે આવી હતી. અગાઉ પણ આ જ પેઢીને દંડ ફટકારવામાં આવ્યો હોવા છતાં તેમની કામગીરીમાં સુધારો ન જણાતા ફૂડ શાખાએ કડક પગલાં લીધા છે અને પેઢીને આગામી ત્રણ દિવસ સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ રસોડાની તમામ બારીઓ પર જાળી લગાવવા અને હાઇજીન સંબંધિત તમામ જરૂરી સુધારાઓ કરવા માટે દુકાનસંચાલકને તાકીદ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં નાગરિકોના આરોગ્ય સાથે કોઈ જોખમ ન સર્જાય.
