JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ગુજરાતની નવ નવી મનપાના નાગરિકો માટે ખુશખબર, આગામી ચાર વર્ષ સુધી વેરામાં કોઈ જ વધારો નહીં થાય

ગુજરાતની નવ નવી મનપાના નાગરિકો માટે ખુશખબર, આગામી ચાર વર્ષ સુધી વેરામાં કોઈ જ વધારો નહીં થાય
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રચાયેલી નવ નવી મહાનગરપાલિકાઓના નાગરિકોને મોટી આર્થિક રાહત આપવામાં આવી છે. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી છે કે આગામી ચાર વર્ષ સુધી આ શહેરોમાં કોઈપણ પ્રકારના વેરા વધારવામાં આવશે નહીં.

રાજ્યના શહેરી વિસ્તારોના સર્વાંગી વિકાસ અને વહીવટી વ્યાપને વિસ્તારવાના હેતુથી ગુજરાત સરકારે તાજેતરમાં જ નવ નવી મહાનગરપાલિકાઓની રચના કરી છે. જોકે, નવો દરજ્જો મળ્યા બાદ શહેરોમાં સ્થાનિક વેરા વધશે અને સામાન્ય નાગરિકો પર આર્થિક ભારણ વધી જશે તેવી વ્યાપક ચિંતા પ્રવર્તી રહી હતી. નાગરિકોની આ જ આશંકાને દૂર કરવા માટે વાપી ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ આગામી ચાર વર્ષ સુધી વેરામાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં કરવાની સ્પષ્ટ જાહેરાત કરીને સૌને મોટી રાહત આપી છે.

રાજ્ય સરકારના આ દૂરંદેશી નિર્ણયના કારણે નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ નવેય નવરચિત મહાનગરપાલિકાઓના લાખો નાગરિકોને સીધો ફાયદો થશે. સામાન્ય રીતે મનપા બને એટલે પાણી વેરા, પ્રોપર્ટી ટેક્સ અને ગટર વેરા જેવા સ્થાનિક વેરાઓમાં ભારે ઉછાળો જોવા મળતો હોય છે, પરંતુ આજના આ નિર્ણયથી નાગરિકોના માથેથી આગામી ચાર વર્ષ સુધી આર્થિક બોજ નહીં પડે. આ તમામ વિસ્તારોમાં કોઈપણ વધારાના વેરા વગર જ નાગરિકોને મહાનગરપાલિકા કક્ષાની ઉત્તમ સુવિધાઓનો લાભ મળતો રહેશે.

મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયા બાદ આ શહેરો અને તેની આસપાસના વિસ્તારોમાં પીવાનું પાણી, અદ્યતન ગટર વ્યવસ્થા, પાકા રસ્તા, સફાઈ અભિયાન, સ્ટ્રીટલાઇટ અને ફાયર બ્રિગેડ જેવી પાયાની સુવિધાઓનું માળખું વિકસાવવાની મોટી જવાબદારી તંત્ર પર આવી જાય છે. આવા સંજોગોમાં નાગરિકો પર ટેક્સનો વધારાનો બોજો નાખ્યા વિના માળખાકીય વિકાસને વેગ આપવો એ વહીવટી તંત્ર માટે મોટો પડકાર જરૂર છે, પરંતુ સરકારે પ્રજાલક્ષી અભિગમ અપનાવીને વિકાસની સાથે જનકલ્યાણનો સુંદર સમન્વય સાધ્યો છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES