JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

ભારતીય ડિસ્કો સંગીતને વૈશ્વિક ઓળખ અપાવનાર સંગીતકાર બપ્પી લહેરીની સંગીતમય સફર

ભારતીય ડિસ્કો સંગીતને વૈશ્વિક ઓળખ અપાવનાર સંગીતકાર બપ્પી લહેરીની સંગીતમય સફર
ભારતીય સિનેમામાં ડિસ્કો સંગીતની ધમાલ મચાવનાર અને 'ડિસ્કો ડાન્સર' દ્વારા ચીન તથા રશિયામાં પણ ધૂમ મચાવનાર પ્રખ્યાત સંગીતકાર બપ્પી લહેરીની ૭૪મી જન્મજયંતિ પર તેમના અદ્ભુત સંગીતવારસાને યાદ કરવામાં આવી રહ્યો છે.

બપ્પી લહેરીનું મૂળ નામ આલોકેશ હતું અને તેમનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૫૨ના રોજ બાંગ્લાદેશના મોહનપુર-સિરાજગંજ ખાતે થયો હતો. સંગીત તેમને વારસામાં મળ્યું હતું કારણ કે તેમના માતા ગાયિકા હતા અને પિતા સંગીતકાર હતા. 'પુત્રના લક્ષણ પારણામાં' એ કહેવત મુજબ તેઓ માત્ર ૩ વર્ષની વયે જ તબલા વગાડતા શીખી ગયા હતા અને બાળપણથી જ પ્રખ્યાત અમેરિકન સંગીતકાર એલ્વિસ પ્રેસલીથી ખૂબ પ્રભાવિત હતા. માત્ર ૧૯ વર્ષની ઉંમરે સંગીતની દુનિયામાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવેલા બપ્પી દાએ સૌપ્રથમ બંગાળી ફિલ્મ 'દાદુ' અને ત્યારબાદ હિન્દી ફિલ્મ 'નન્હા શિકારી'માં સંગીત આપ્યું હતું. જોકે, વર્ષ ૧૯૭૫માં આવેલી ફિલ્મ 'જખ્મી'ના ગીતોએ તેમને ભારતીય સિનેમામાં વાસ્તવિક લોકપ્રિયતા અપાવી હતી.

વર્ષ ૧૯૮૨માં પ્રદર્શિત થયેલી ફિલ્મ 'ડિસ્કો ડાન્સર'ના સંગીતે બપ્પી લહેરીને સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડી દીધા હતા. આ ફિલ્મનું લોકપ્રિય ગીત 'આઈ એમ એ ડિસ્કો ડાન્સર' માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ચીન અને રશિયાના દર્શકોમાં પણ એટલું જ લોકપ્રિય બન્યું હતું કે વિદેશીઓએ પણ આ ધૂન પર ઝૂમવું પડ્યું હતું. ચીનમાં તેમને આ ફિલ્મના સંગીત માટે વિશેષ 'ગોલ્ડ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સોનાના ઘરેણાંનો શોખ ધરાવતા અને સોનાને પોતાના માટે લકી માનનારા બપ્પી દાએ માત્ર ડિસ્કો જ નહીં, પરંતુ ફિલ્મ 'એતબાર'ના ગીત 'કિસી નજર કો...' દ્વારા સાબિત કરી દીધું હતું કે સુંદર ગઝલોના રચનાકાર તરીકે પણ તેમની માસ્ટરી કમાલની હતી.

સંગીત જગતમાં તેમની અથાક મહેનતનું પ્રમાણ એ હતું કે તેમણે વર્ષ ૧૯૮૬માં એક જ વર્ષમાં ૩૬ ફિલ્મો માટે ૧૮૦ જેટલા ગીતો કમ્પોઝ કરવાનો અદ્ભુત રેકોર્ડ સર્જ્યો હતો, જેની ગ્લોબલ નોધ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પણ લેવામાં આવી હતી. જીવનભર અઢળક લોકપ્રિય ગીતો ભેટ આપનાર અને ફિલ્મફેર લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત આ મહાન સંગીતકાર ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ કોરોનાકાળ બાદ મુંબઈ ખાતે આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા હતા, પરંતુ તેમનું સંગીત આજે પણ અમર છે.

મનોરંજન વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES