JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ગુજરાતમાં એનઆરઆઈ થાપણોમાં ૫૮ ટકાનો જબરદસ્ત ઉછાળો, રાજકોટમાં આંકડો ૧૪,૪૪૨ કરોડને પાર

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ગુજરાતમાં એનઆરઆઈ થાપણોમાં ૫૮ ટકાનો જબરદસ્ત ઉછાળો, રાજકોટમાં આંકડો ૧૪,૪૪૨ કરોડને પાર
મધ્ય પૂર્વના સંઘર્ષો અને વૈશ્વિક અર્થતંત્રની અસ્થિરતા વચ્ચે ગુજરાતમાં બિનનિવાસી ભારતીયો (NRI) દ્વારા કરાયેલા રોકાણમાં મોટો વધારો થયો છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના અહેવાલ મુજબ રાજ્યમાં એનઆરઆઈ થાપણો વધીને ૧.૭૫ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેમાં રાજકોટનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે.

વૈશ્વિક સ્તરે અર્થતંત્ર ડામાડોળ હોવાની અટકળો વચ્ચે સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC) દ્વારા જારી કરાયેલા તાજેતરના અહેવાલે સૌનું ધ્યાન ખેંચ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૫ના અંત સુધીમાં ગુજરાતની બેંકોમાં બિનનિવાસી ભારતીયોની કુલ થાપણોનો આંકડો વધીને ૧.૭૫ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે, જે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ૧.૧૧ લાખ કરોડ હતો. વાર્ષિક ધોરણે આ થાપણોમાં ૬૪,૩૮૧ કરોડ રૂપિયા એટલે કે આશરે ૫૮ ટકાનો જબરદસ્ત વધારો નોંધાયો છે. માત્ર ત્રિમાસિક ગાળાની વાત કરીએ તો, જૂન મહિનામાં ૧.૨૨ લાખ કરોડ રૂપિયા સામે સપ્ટેમ્બરમાં તેમાં ૫૩,૧૫૫ કરોડનો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

આ આકર્ષક વૃદ્ધિ પાછળના મુખ્ય કારણોની ચર્ચા કરતાં બેંકિંગ નિષ્ણાતો જણાવે છે કે, એનઆરઆઈ રોકાણકારોને બોન્ડ યીલ્ડ, કરન્સી હેજિંગ તેમજ કરન્સી એક્સચેન્જ અને કિંમતના તફાવતનો બેવડો લાભ મળી રહ્યો છે. રૂપિયા સામે ડોલર મજબૂત થવાથી વિદેશી રોકાણકારોને ભારતમાં નાણાં રોકવાનું આકર્ષણ વધ્યું છે. ખાસ કરીને 'ફોરેન કરન્સી નોન-રેસિડન્ટ' (FCNR) યોજના હેઠળ નાણાકીય પ્રવાહ સારો એવો વધ્યો છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૩૦માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ અને રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિકાસની ઉજ્જવળ તકોને કારણે પણ પ્રવાસી ભારતીયો ગુજરાત તરફ વિશેષ આકર્ષાયા છે.

રાજ્યના વિવિધ શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં સૌથી વધુ ૫૨,૭૫૧ કરોડ રૂપિયાની એનઆરઆઈ થાપણો નોંધાઈ છે, જે સમગ્ર રાજ્યના કુલ આંકડાના ૩૦ ટકા જેટલી છે. આ યાદીમાં વડોદરા ૨૬,૫૩૯ કરોડ સાથે બીજા અને કચ્છ ૨૦,૯૭૨ કરોડ સાથે ત્રીજા ક્રમે છે, જ્યારે સુરતમાં ૧૫,૮૮૬ કરોડની થાપણો છે. બીજી તરફ, રાજકોટની બેંકોમાં પણ એનઆરઆઈ ડિપોઝીટ ઉત્સાહજનક રહી છે અને ગત વર્ષના ૮,૪૭૯ કરોડ સામે આ આંકડો વધીને ૧૪,૪૪૨.૫ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે, જે સ્થાનિક અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત પૂરો પાડે છે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES