JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
હવામાન

નવેમ્બર આરે છતાં ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, સવારે ઠંડી તો બપોરે ઉનાળા જેવો તાપ

નવેમ્બર આરે છતાં ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, સવારે ઠંડી તો બપોરે ઉનાળા જેવો તાપ
નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં રાજ્યમાં હજુ સુધી કડકડતી ઠંડી જામી નથી. વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ૩૪ ડિગ્રી સુધીના તાપમાન સાથે લોકો બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છે.

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ હોવા છતાં હવામાનનો મિજાજ હજુ સંપૂર્ણપણે બદલાયો નથી. સામાન્ય રીતે નવેમ્બરના અંતિમ દિવસોમાં રાજ્યભરમાં ઠંડીનું જોર વધી જતું હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ થોડી અલગ છે. મોડી રાત્રે અને વહેલી સવારના સમયને બાદ કરતા દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહે છે, જેના કારણે નાગરિકોને એક જ દિવસમાં બે અલગ-અલગ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યના કેટલાક ચૂંટેલા સેન્ટરોને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં હજુ સુધી અપેક્ષિત ઠંડી નોંધાઈ નથી.

હવામાન વિભાગના તાજેતરના રિપોર્ટ અનુસાર, આજે રાજકોટમાં ન્યૂનતમ તાપમાન ૧૪.૪ ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા ૨.૫ ડિગ્રી નીચું હતું, જ્યારે ગઈકાલનું મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી જેટલું ઊંચું રહ્યું હતું. આનો સ્પષ્ટ અર્થ એ થાય કે સવારના સમયે ઠંડક અનુભવાયા બાદ બપોરે અસહ્ય ગરમી અને ઉનાળા જેવો તાપ અનુભવાય છે. રાજ્યના અન્ય મુખ્ય મથકોની વાત કરીએ તો, એકમાત્ર નલિયામાં તાપમાન ૧૧ ડિગ્રીથી નીચે ઉતરીને ૧૦.૮ ડિગ્રી સુધી પહોંચ્યું હતું. જ્યારે ઓખા, પોરબંદર, દ્વારકા, કંડલા અને સુરતમાં પણ તાપમાન સામાન્ય કરતા ૦.૪ થી ૨.૬ ડિગ્રી સુધી નીચું નોંધાયું હતું.

બીજી બાજુ, અમદાવાદ, વડોદરા, ભુજ, ભાવનગર, ડીસા અને દીવ જેવા વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી સુધી ઊંચું જોવા મળ્યું હતું. હવામાન નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે કચ્છ અને ઉત્તર ગુજરાતના ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન તાપમાન ઝડપથી નીચે સરકી જતું હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ત્યાં પણ તાપમાન નોર્મલ કરતા ઉપર જ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં પવનોની દિશા બદલાયા બાદ જ રાજ્યમાં વાસ્તવિક ઠંડીનો દોર શરૂ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES