ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે ત્યારે બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સુપ્રિમો અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ સમાજવાદી પાર્ટી (સપા) પર આકરા પ્રહારો કર્યા છે. તાજેતરમાં સપા દ્વારા વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 'જન-મન કા મેનિફેસ્ટો' (ચૂંટણીઢંઢેરો) જાહેર કરવામાં આવ્યો છે, જેમાં લાખો નવી નોકરીઓ અને સામાજિક ન્યાયના મોટા દાવા કરવામાં આવ્યા છે. આ ઘોષણાપત્રને ફગાવી દેતા માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર કડક પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે આ ઢંઢોરો માત્ર પોકળ અને અવ્યવહારુ વચનોથી ભરેલો છે.
માયાવતીએ આરોપ લગાવ્યો છે કે સમાજવાદી પાર્ટી હંમેશાં સંકુચિત અને જાતિવાદી નીતિઓ પર ચાલી છે અને તે માત્ર અમીરોની હિતેચ્છુ રહી છે. તેમણે આ વાતને સાબિત કરવા માટે ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સપાએ પીડીએ (પિછડા, દલિત, અલ્પસંખ્યક)ના નારા લગાવવા છતાં રાજ્યસભામાં એક ધનિક વેપારીને પ્રાથમિકતા આપી હતી, જે તેમની દહનીય રાજનીતિને ઉજાગર કરે છે. માયાવતીએ સવાલ કર્યો છે કે શું આવી નીતિઓથી રાજ્યની ગરીબી, બેરોજગારી અને પછાતપણા જેવી ગંભીર સમસ્યાઓ ક્યારેય દૂર થઈ શકશે ખરી?
પોતાના શાસનકાળની ઉપલબ્ધિઓને યાદ કરતા માયાવતીએ જણાવ્યું હતું કે બસપાની ચારેય સરકારી શાસન દરમિયાન જમીની સ્તરે 'હર હાથ કો કામ' અને 'કાયદાના શાસન'ના સૂત્રને ઈમાનદારીથી લાગુ કરવામાં આવ્યું હતું. તેમણે જનતાને અપીલ કરી છે કે તેઓ સપાના આ ચૂંટણી પ્રપંચથી સાવચેત રહે, કારણ કે ભૂતકાળમાં સપાના શાસનમાં સાંપ્રદાયિક તોફાનો અને પછાત વર્ગો પ્રત્યેની પક્ષપાતી નીતિઓના ડાઘ ક્યારેય ભૂંસી શકાય તેમ નથી.
