ગરવા ગિરનારની ધરા પર સાહસ અને ઉત્સાહનો નવો માહોલ જોવા મળશે, કારણ કે આગામી તા. ૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૪૧મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. લીલી પરિક્રમા પૂરી થતા જ ખેલ જગતમાં ચર્ચાનો વિષય બનેલી આ રોમાંચક સ્પર્ધાને લઈને રમતવીરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં યુવા સ્પર્ધકો આ કઠિન સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉમટી પડશે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અત્યારથી જ આયોજનને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ સ્પર્ધાના સુચારૂ અને સલામત સંચાલન માટે જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યભરમાંથી આવનાર સ્પર્ધકો માટે નિવાસ અને ભોજનની ઉત્તમ વ્યવસ્થાઓ ઊભી કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ગિરનાર આરોહણની કેડીઓ અત્યંત પડકારજનક અને જોખમી હોવાથી ખેલાડીઓની તબિયત અને સુરક્ષા સર્વોપરી રહે છે. આ વાતને ધ્યાનમાં રાખીને સમગ્ર સ્પર્ધા દરમિયાન પૂરતી મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ અને તાત્કાલિક આરોગ્ય સેવાઓ ગિરનાર પર સતત ઉપલબ્ધ રહે તેવી સઘન વ્યવસ્થાઓ ગોઠવવાના આદેશો સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત, સ્પર્ધકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગિરનારની સીડીઓનું સમયસર રીપેરીંગ કામ, સાફ-સફાઈ અને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવાના નિર્દેશો પણ તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, આગામી તા. ૭ ફેબ્રુઆરીના રોજ યોજાનારી ૧૯મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્પર્ધાના આયોજન અંગે પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા પ્રસ્તુત કરાયેલી રૂપરેખા મુજબ તમામ વિભાગો સંકલન સાધીને આ મહાસાહસિક સ્પર્ધાને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે કટિબદ્ધ છે.
