JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

જૂનાગઢમાં ડેન્ગ્યુથી રેસિડેન્ટ ડોક્ટરનું કરુણ મોત, ત્રણ વર્ષની માસૂમ બાળકીએ ગુમાવી માતાની છત્રછાયા

જૂનાગઢમાં ડેન્ગ્યુથી રેસિડેન્ટ ડોક્ટરનું કરુણ મોત, ત્રણ વર્ષની માસૂમ બાળકીએ ગુમાવી માતાની છત્રછાયા
જૂનાગઢ મેડિકલ કોલેજના એનેસ્થેસિયા વિભાગના રેસિડેન્ટ ડો. સોનાલી ઓડેદરાનું ડેન્ગ્યુની બીમારીને કારણે આકસ્મિક નિધન થયું છે. તબિયત નાદુરસ્ત હોવા છતાં ફરજ બજાવતા આ યુવતીના અવસાનથી તબીબી આખા જગતમાં શોકની લહેર ફરી વળી છે.

જૂનાગઢ મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો. સોનાલીબેન ઓડેદરા સાથે બનેલી આ ઘટનાએ સમગ્ર તબીબી જગતને હચમચાવી દીધું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ડો. સોનાલીની તબિયત લાંબા સમયથી નાદુરસ્ત હતી, છતાં તેઓ પોતાની ફરજ પ્રત્યે સમર્પિત રહીને હોસ્પિટલમાં સેવા આપી રહ્યા હતા. ચર્ચાસ્પદ બનેલી બાબત એ છે કે તેમને બીમારી દરમિયાન સાત દિવસના બદલે માત્ર બે દિવસની જ રજા આપવામાં આવી હતી. સોમવાર અને મંગળવારની ટૂંકી રજા ભોગવ્યા બાદ તેઓ બુધવારે આખો દિવસ સતત ફરજ પર હાજર રહ્યા હતા, જેના કારણે તેમનું શરીર વધુ સાથ આપી શક્યું નહીં.

બુધવારે રાત્રે જ્યારે તેઓ હોસ્પિટલની ડ્યુટી પતાવીને પોતાના ઘરે પહોંચ્યા, ત્યારે અચાનક તેમની તબિયત વધુ લથડી હતી. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક ધોરણે શહેરની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ સ્થિતિ ગંભીર જણાતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડેન્ગ્યુના આ પ્રકોપમાં તેમના પ્લેટલેટ કાઉન્ટમાં ખૂબ જ ઝડપથી ઘટાડો થવા લાગ્યો હતો, જેને કારણે તેમની તબિયત સતત કથળતી ગઈ. વધુ સારવાર અર્થે તેમને રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જેતપુર પાસે તબિયત વધુ બગડતા તેમને ફરીથી જૂનાગઢ પરત લાવવામાં આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ આકસ્મિક અને કરુણ ઘટનાથી મૃતક ડોક્ટરના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ડો. સોનાલીના પતિ પણ ઓર્થોપેડિક સર્જન તરીકે સેવા આપી રહ્યા છે, ત્યારે આ પરિવારે પોતાની વ્હાલસોયી દીકરી અને પત્નીને ગુમાવ્યા છે. સૌથી મોટું દુઃખ એ છે કે માત્ર ત્રણ વર્ષની એક માસૂમ બાળકીના માથેથી માતાની મમતા અને છત્રછાયા સદાય માટે છીનવાઈ ગઈ છે. સાથી તબીબો, મેડિકલ કોલેજનો પરિવાર અને સ્નેહીજનોમાં આ અચાનક બનેલી ઘટનાને લઈને ભારે શોક અને વેદનાની લાગણી ફેલાઈ ગઈ છે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES