JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

નોકરીની સાથે નારિયેળનો વ્યવસાય કરી કરોડપતિ બનનાર મહિલાને મળી મોટી રાહત, આવકવેરા અપીલ ટ્રિબ્યુનલે આપ્યો ચુકાદો

નોકરીની સાથે નારિયેળનો વ્યવસાય કરી કરોડપતિ બનનાર મહિલાને મળી મોટી રાહત, આવકવેરા અપીલ ટ્રિબ્યુનલે આપ્યો ચુકાદો
તમિલનાડુમાં નોકરી બાદ નારિયેળનો વેપાર કરીને ૧.૧૭ કરોડ રૂપિયાની રોકડ જમા કરનાર મહિલા કર્મચારીને ચેન્નઈ ITAT તરફથી મોટી રાહત મળી છે. આવકવેરા વિભાગે આ રકમને અસ્પષ્ટ માનતી હતી, પરંતુ ટ્રિબ્યુનલે તેને વ્યવસાયિક આવક ગણીને આંશિક રાહત આપી છે.

તમિલનાડુના નાગરકોઈલ ખાતે એક નામાંકિત કંપનીમાં કોર્પોરેટ નોકરી કરતી અનિતા નામના મહિલાએ પોતાની દિનચર્યાની સાથે સમયનો સદઉપયોગ કરીને નારિયેળનો વ્યવસાય શરૂ કરવાનો અનોખો નિર્ણય લીધો હતો. તેમણે ખેડૂતો પાસેથી બગીચાઓ લીઝ પર રાખીને અને સીધા જ ખેડૂતો પાસેથી નારિયેળ ખરીદીને બજારમાં તેનું વેચાણ કરવાનું શરૂ કર્યું હતું. આ વ્યવસાય એટલો સફળ રહ્યો કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન તેમણે પોતાના બેંક ખાતામાં નારિયેળના વેચાણથી થયેલી કમાણીના ૧.૧૭ કરોડ રૂપિયા રોકડા જમા કરાવ્યા હતા. મોટો પગાર મેળવતી સામાન્ય મહિલાના ખાતામાં આટલી મોટી રોકડ રકમ જમા થતાં આવકવેરા વિભાગે સ્ક્રુટિની શરૂ કરી હતી અને આ રકમને અસ્પષ્ટ અથવા બિનહિસાબી નાણાં ગણાવ્યા હતા.

આવકવેરા વિભાગની નોટિસ મળ્યા બાદ અનિતાએ સૂરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુરેશ સુરાણા અને કે. વિશ્વા પદ્મનાબનની મદદથી કાનૂની લડત લડી હતી અને સ્પષ્ટતા કરી હતી કે આ રકમ તેમના નારિયેળના વ્યવસાયમાંથી આવી છે. શરૂઆતમાં તેમણે આ આવકને કૃષિ આવક ગણાવી હતી પરંતુ પાછળથી અપડેટેડ રિટર્ન (ITR-U) દાખલ કરીને તેને કલમ 44AD હેઠળ પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન તળે વ્યવસાયિક આવક તરીકે જાહેર કરી હતી અને ૧.૨૭ કરોડના ટર્નઓવર પર ૧૦.૨૧ કરોડ રૂપિયાની આવક બતાવી હતી. જોકે, આવકવેરા અધિકારીઓએ કોઈ પૂરતા દસ્તાવેજો ન હોવાના કારણે આ દલીલ ફગાવી દીધી હતી અને સમગ્ર ૧.૧૭ કરોડ રૂપિયાને કરપાત્ર અસ્પષ્ટ રોકડ ગણાવી દીધી હતી, જેની સામે અનિતા ચેન્નઈ સ્થિત આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT)માં ગયા હતા.

ચેન્નઈ ITATએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે અનિતાના બેંક ખાતામાં થતી લેવડ-દેવડ અને ખેડૂતોના સમર્થનમાં આપેલા નિવેદનો તેના વ્યવસાયની સત્યતા સાબિત કરે છે. ટ્રિબ્યુનલે સ્વીકાર્યું કે આ નારિયેળનો વ્યવસાય હતો, પરંતુ અનિતા પાસે ખરીદી કે વેચાણના કોઈ નિયમિત ચોપડા કે બિલ ન હોવાથી સંપૂર્ણ રાહત ન આપી. ટ્રિબ્યુનલે આવકવેરા વિભાગને આદેશ આપ્યો કે તેઓ ૧.૧૭ કરોડ રૂપિયાના ૮ ટકા લેખે એટલે કે વધારાના ૯.૪૧ લાખ રૂપિયા જ વ્યવસાયિક આવક તરીકે ઉમેરે. આ સાથે જ નિષ્ણાતોએ પણ સલાહ આપી છે કે નોકરીની સાથે કોઈ પણ સાઇડ બિઝનેસ કરતા કર્મચારીઓએ હંમેશાં વ્યવસાયના હિસાબો અને અલગ બેંક ખાતાનો રેકોર્ડ ચોક્કસપણે રાખવો જોઈએ જેથી ભવિષ્યમાં આવી કાનૂની મુશ્કેલીઓથી બચી શકાય.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES