રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર દ્વારા 'ઓપરેશન હેલ્થ' ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ વિશેષ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના એકમો તેમજ મુખ્ય હાઈવે પર આવેલી હોટેલો સહિત કુલ 1,477 સ્થળોએ સઘન તપાસ કરવામાં આવી છે. હાઈવે પરની 691 હોટેલોના ચેકિંગ દરમિયાન 175 હોટેલોમાં રસોડાની અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસાતો હોવાનું સામે આવતા તેમને નોટિસ ફટકારવામાં આવી હતી. આ તમામ એકમોએ તત્રની સૂચનાથી સ્વયંભૂ સફાઈ કામગીરી હાથ ધરી હતી, જ્યારે સંતોષકારક સ્થિતિ ધરાવતી અન્ય 516 હોટેલોને પણ ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા વધુ સુધારા સૂચવવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન કુલ 14 હોટેલોમાંથી શંકાસ્પદ અને હાનિકારક ખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે અને તેના નમૂનાઓ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલાયા છે. જો લેબોરેટરી રિપોર્ટ ફેલ જશે કે કોઈ ગંભીર બેદરકારી જણાશે, તો સંબંધિત સંચાલકો સામે કોર્ટમાં કેસ દાખલ કરવાથી લઈને એકમને કાયમી ધોરણે સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરાશે. મંત્રીએ મહાનગરપાલિકા વિસ્તાર હોય કે ગ્રામ્ય કે હોસ્ટેલના રસોડા હોય, તમામ જગ્યાએ સ્વચ્છતા જાળવવાનું અનિવાર્ય ગણાવ્યું છે. ખાણીપીણીના એકમોના સ્ટાફ અને વેઈટર્સે ફરજિયાતપણે ગ્લોવ્ઝ અને કેપ પહેરવા પડશે તેમજ સ્વચ્છતાની તમામ જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
સાત્વિક અને શુદ્ધ ખોરાક મેળવવો એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર હોવાનું જણાવીને આરોગ્યમંત્રીએ આ અભિયાન આગામી સમયમાં પણ સતત ચાલુ રહેવાની ખાતરી આપી છે. તેમણે નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ જાગૃત બનીને હોટેલના રસોડાની સ્વચ્છતા અંગે સવાલ ઉઠાવે અને ગંદકી જણાય તો તુરંત જ જિલ્લા કચેરીમાં ફરિયાદ કરે. તંત્ર દ્વારા આવી ફરિયાદો પર તાત્કાલિક અને સખત પગલાં લેવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે પછી જો કોઈ એકમમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસાશે કે ફૂડ પોઇઝનિંગ જેવી દુર્ઘટના સર્જાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી માત્ર અને માત્ર હોટેલ સંચાલકની જ રહેશે.
