JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

જામનગરમાં કુદરતી પ્રસૂતિને પ્રોત્સાહન આપવા યોજાઈ ભવ્ય જનજાગૃતિ રેલી

જામનગરમાં કુદરતી પ્રસૂતિને પ્રોત્સાહન આપવા યોજાઈ ભવ્ય જનજાગૃતિ રેલી
સોસાયટી ઓફ મિડવાઇવ્ઝ ઇન્ડિયા દ્વારા જામનગરમાં કુદરતી પ્રસૂતિ અંગે જાગૃતિ ફેલાવતી રાષ્ટ્રવ્યાપી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયરના હસ્તે પ્રસ્થાન કરાયેલી આ રેલીમાં સિઝેરિયનના વધી રહેલા પ્રમાણ સામે કુદરતી માતૃત્વને પ્રાથમિકતા આપવાનો અનોખો સંદેશ અપાયો હતો.

માતૃત્વની ગરિમાને સુરક્ષિત અને સકારાત્મક બનાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં 'નેશન-વાઈડ વોક ફોર નેચરલ બ્રિથિંગ' અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે જામનગર સરકારી નર્સિંગ કોલેજ અને સોમી (સોસાયટી ઓફ મિડવાઇવ્ઝ ઇન્ડિયા) ગુજરાતના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ જનજાગૃતિ રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ભારતીબેન સનાડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીનું ઉદ્ઘાટન જામનગરના મેયર મોનિકાબેન વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયરે પોતાના અંગત અનુભવો શેર કરતા યુવા પેઢીને કુદરતી પ્રસૂતિ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવા પ્રેરણા પૂરી પાડી હતી.

આ કાર્યક્રમમાં વધતા જતા સિઝેરિયન પ્રસૂતિના આંકડાઓ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫ ના આંકડા મુજબ દેશ અને રાજ્યમાં સિઝેરિયનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ખાસ કરીને ખાનગી હોસ્પિટલોમાં આ આંકડો ઘણો ઊંચો છે. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજ કુમારે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય તબીબી રીતે અનિવાર્ય સિઝેરિયનનો વિરોધ કરવાનો નથી, પરંતુ કોઈપણ કારણ વગર માત્ર સુવિધા ખાતર સિઝેરિયનને પ્રથમ પસંદગી બનાવવાની માનસિકતા બદલવાનો છે. જ્યારે માતા અને બાળક સ્વસ્થ હોય ત્યારે કુદરતી પ્રસૂતિ જ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે.

નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈને આ રેલીને લોકઉપયોગી બનાવી હતી. વિદ્યાર્થીઓએ આકર્ષક સૂત્રો અને બેનરો દ્વારા કુદરતી માતૃત્વનું મહત્ત્વ સમજાવતી લોકજાગૃતિ ફેલાવી હતી. સમગ્ર આયોજનનું સચોટ સંકલન મિડવાઇફરી એજ્યુકેટર કુ. નેહા જાની તથા વરિષ્ઠ નર્સિંગ સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું. દરેક માતાને સુરક્ષિત પ્રસૂતિ અને યોગ્ય પરામર્શ મેળવવાનો અધિકાર છે તેવા મજબૂત સંદેશ સાથે આ અભિયાન જામનગરવાસીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે નવી ચેતના જગાવવામાં સંપૂર્ણપણે સફળ રહ્યું હતું.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES