JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડશે વર્ષમાં માત્ર બે વાર અપાતું કોલેસ્ટ્રોલનું ઈન્જેક્શન

હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડશે વર્ષમાં માત્ર બે વાર અપાતું કોલેસ્ટ્રોલનું ઈન્જેક્શન
ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે વર્ષમાં બે વાર અપાતું 'ઈન્ક્લિસિરાન' નામનું નવું ઈન્જેક્શન ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી હૃદયરોગના હુમલાનું જોખમ મોટા પ્રમાણમાં ઘટાડી શકે છે.

હૃદયરોગ અને સ્ટ્રોકના વધતા જોખમને નાથવા માટે તબીબી ક્ષેત્રે એક મોટી સફળતા સામે આવી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના નિષ્ણાતોએ ટીઆઈએમઆઈ સ્ટડી ગ્રુપ સાથે મળીને કરેલા મહત્ત્વના સંશોધનમાં જણાયું છે કે વર્ષમાં માત્ર બે વાર આપવામાં આવતું કોલેસ્ટ્રોલનું વિશેષ ઈન્જેક્શન હાર્ટ એટેકનું જોખમ ઘટાડવામાં અત્યંત કારગર સાબિત થઈ શકે છે. ફેઝ-૩ ના આ વ્યાપક ક્લિનિકલ ટ્રાયલમાં ૧૬ હજારથી વધુ એવા દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા, જેઓ પહેલેથી જ એથેરોસ્ક્લેરોટિક કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (એએસસીવીડી) થી પીડિત હતા. આ ગંભીર બીમારીમાં ધમનીઓમાં ચરબી જામવાને કારણે લોહીનો પ્રવાહ અવરોધાય છે, જેના પરિણામે હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધી જાય છે. આ સંશોધનમાં દર્દીઓને સામાન્ય દવાઓ સાથે 'ઈન્ક્લિસિરાન' ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું, જેના પરિણામો અત્યંત પ્રોત્સાહક રહ્યા છે.

આ ઈન્જેક્શનની કામ કરવાની પદ્ધતિ પરંપરાગત દવાઓ કરતાં તદ્દન અલગ અને અત્યાધુનિક છે. આ દવા લીવરમાં 'પીસીએસકે૯' નામના પ્રોટીનનું ઉત્પાદન ઘટાડે છે, જે સામાન્ય રીતે લોહીમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરતા રિસેપ્ટર્સને નષ્ટ કરે છે. આ પ્રોટીનનું પ્રમાણ ઘટવાથી લીવર વધુ સારી રીતે રક્તમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર ફેંકી શકે છે. આ વિશેષ સારવાર માત્ર ૧૮ મહિનાના ટૂંકા સમયગાળામાં જ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ૫૦ ટકા સુધી ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. ડોઝની વાત કરીએ તો, શરૂઆતના તબક્કામાં પ્રથમ ડોઝ આપ્યાના ત્રણ મહિના પછી બીજો ડોઝ આપવામાં આવે છે અને ત્યારબાદ દર્દીને દર છ મહિને નિયમિત રીતે માત્ર એક જ ઈન્જેક્શન લેવાનું રહે છે. જો કે, તબીબો સ્પષ્ટતા કરે છે કે આ સારવાર હાલની કોલેસ્ટ્રોલની દવાઓનું સ્થાન લેવા માટે નથી, પરંતુ તેને સહાયક ઉપચાર તરીકે જ ડૉક્ટરની સલાહ મુજબ જ લેવી જોઈએ.

ભારત જેવા દેશોમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને હૃદયની બીમારીઓ વર્તમાન સમયમાં એક વિકટ સ્વાસ્થ્ય પડકાર બની રહી છે. આઈસીએમઆર-ઈન્ડિયા ડાયાબિટીઝના આંકડા મુજબ દેશના અંદાજે ૮૭.૩ ટકા પુખ્ત વયના લોકો ડિસ્લિપિડેમિયા એટલે કે લોહીમાં લિપિડ અથવા ફેટનું અસંતુલન ધરાવે છે, જેમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં પ્રભાવિત છે. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઈન્ક્લિસિરાન જેવી આધુનિક વૈજ્ઞાનિક શોધો હૃદયના દર્દીઓ માટે નવી આશાનું કિરણ લઈને આવી છે. હૃદયને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે આ પ્રકારની અત્યાધુનિક તબીબી સારવારની સાથે-સાથે સમયસર કોલેસ્ટ્રોલની તપાસ, સંતુલિત આહાર અને નિયમિત શારીરિક વ્યાયામ કે પ્રવૃત્તિ અપનાવવી અનિવાર્ય બની ગઈ છે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES