સદ્ગુરુ અકાદમી દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય વિશેષ વ્યાપાર નેતૃત્વ કાર્યક્રમમાં અદાણી ગ્રુપના સીટીઓ સુદીપ્તા ભટ્ટાચાર્ય, અપોલો હોસ્પિટલ્સના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સંગીતા રેડ્ડી, હીરો ફિનકોર્પના એમડી અને સીઈઓ અભિમન્યુ મુંજાલ તેમજ મેટ્રીમોની ડોટ કોમના સ્થાપક મુરુગવેલ જાનકીરામન સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા છે. આ પ્લેટફોર્મ ઉદ્યોગ જગતના દિગ્ગજોને બિઝનેસ ગ્રોથ, નેતૃત્વ અને એન્ટરપ્રિન્યોરશિપના મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા કરવા માટે એક ઉત્તમ મંચ પૂરો પાડે છે. એમકે વેન્ચર્સના સ્થાપક મધુ કેેલા, અગ્નિકુલ કોસ્મોસના સીઈઓ શ્રીનાથ રવિચંદ્રન અને મોગ્લિક્સના સ્થાપક રાહુલ ગર્ગ જેવા અન્ય ખ્યાતનામ વક્તાઓ પણ આ કાર્યક્રમમાં પોતાના અનુભવો અને વિચારોનું આદાનપ્રદાન કરી રહ્યા છે.
ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતા સદ્ગુરુએ બિઝનેસ અને લીડરશિપમાં માનવીય બુદ્ધિમત્તાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે એકત્રિત ડેટા અને વિકૃત ધારણાઓ પર વધુ પડતી નિર્ભરતાને કારણે માનવ બુદ્ધિ ઘણીવાર મુશ્કેલીઓનું કારણ બની જાય છે. તેમણે આજના ટેકનોલોજી યુગમાં મશીનો દ્વારા થતી પ્રક્રિયાઓના વધતા પ્રભાવ વચ્ચે ડેટા આધારિત વિચારસરણીથી આગળ વધીને કાર્ય કરવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. વ્યવસાય હોય, કલા હોય, રમતગમત હોય કે અધ્યાત્મ હોય, દરેક ક્ષેત્રમાં વ્યક્તિએ પોતાની જાતને સર્વોચ્ચ સ્તરે રાખવી એ જ સૌથી મહત્વપૂર્ણ બાબત છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વર્ષ ૨૦૧૨માં સ્થાપના પામેલા સદ્ગુરુ અકાદમીના આ 'ઇનસાઇટ' કાર્યક્રમના ભૂતકાળના સંસ્કરણોમાં ટાટા ગ્રુપના દિવગંત ચેરમેન રતન ટાટા, ઇન્ફોસિસના સહ-સ્થાપક એન.આર. નારાયણ મૂર્તિ, ઇસરોના પૂર્વ અધ્યક્ષ એસ. સોમનાથ અને બાયોકોનના વડા કિરણ મજૂમદાર-શો જેવી મહાનુભાવ હસ્તીઓ ભાગ લઈ ચૂકી છે. આગામી દિવસોમાં આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ વચ્ચે નેતૃત્વ, નિર્ણય લેવાની ક્ષમતા, બિઝનેસ વિસ્તરણ અને વ્યક્તિગત વિકાસ જેવા વિષયો પર સઘન ચર્ચાઓ અને ઇન્ટરેક્ટિવ સત્રો યોજાશે, જે નવા ઉદ્યોગસાહસિકો માટે માર્ગદર્શક સાબિત થશે.
