JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

કાર્તિકી પૂર્ણિમાએ ભોલેનાથે કર્યું ત્રિપુરાસુરનો સંહાર, ઉજવાઈ દિવ્ય દેવદિવાળી

કાર્તિકી પૂર્ણિમાએ ભોલેનાથે કર્યું ત્રિપુરાસુરનો સંહાર, ઉજવાઈ દિવ્ય દેવદિવાળી
કાર્તિકી પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શિવ દ્વારા ત્રિપુરાસુરનો વદ કરવામાં આવ્યો હતો, જેના સ્મરણાર્થે દેવોએ દીપોત્સવ ઉજવીને આ દિવસને દેવદિવાળી તરીકે સ્થાપિત કર્યો.

પ્રયાગક્ષેત્રમાં ઉગ્ર તપશ્ચર્યા કરનાર ત્રિપુર નામના મહાદૈત્યે પોતાના તપના પ્રભાવથી ત્રિભુવનમાં હાહાકાર મચાવ્યો હતો. તેની તપશક્તિથી ડચી ગયેલા દેવોએ અનેક અપ્સરાઓ મોકલીને તેનું ધ્યાન ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કામ, ક્રોધ અને લોભથી પર રહીને અવિચળ રહ્યો હતો. અંતે તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરી અમરત્વનું વરદાન માંગ્યું, ત્યારે બ્રહ્માજીએ શરીરધારી માટે મૃત્યુ અનિવાર્ય હોવાનું જણાવી અન્ય વરદાન માંગવા કહ્યું. ત્રિપુરાસુરે દેવ, મનુષ્ય, રાક્ષસ, સ્ત્રી કે રોગથી મૃત્યુ ન પામે તેવું શ્રેષ્ઠ વરદાન પ્રાપ્ત કર્યું અને બ્રહ્માજી પાસેથી તથાસ્તુનું વરદાન મેળવીને દૈત્યોને દેવો પર અત્યાચાર કરવાનો આદેશ આપ્યો.

વરદાન મળ્યા બાદ ગર્વિષ્ઠ બનેલા ત્રિપુરાસુરની આજ્ઞાથી દૈત્યોએ તમામ દેવો, યક્ષો અને સર્પોને બંદીવાન બનાવી ચારેય બાજુ ત્રાસ વર્સાવ્યો હતો. વિશ્વકર્મા દ્વારા નિર્મિત ત્રિપુરાસુરના ત્રણ અદભુત અને તેજ ગતિથી ઉડનારા ધાતુના વિમાનો પાતાળ, સ્વર્ગ અને પૃથ્વી પર વિચરતા હતા અને ભારે વિનાશ સર્જતા હતા. આ ત્રાસથી મુક્તિ મેળવવા માટે ઈન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ અને નારદમુનિએ એકત્ર થઈને ભગવાન શિવના શરણે જવાનો નિર્ણય કર્યો. દેવર્ષિ નારદની માયાથી પ્રેરાઈને ત્રિપુરાસુરે કૈલાસ પર આક્રમણ કર્યું અને શિવજી સાથે સતત ત્રણ દિવસ સુધી ભીષણ મહાયુદ્ધ ખેલાયું હતું.

કાર્તિક માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે મહાદેવે એક જ બાણથી ત્રિપુરાસુરનો અંત આણ્યો હતો, જેનાથી સમગ્ર દેવલોકમાં આનંદની લહેર દોડી ગઈ હતી. આ વિજયની ખુશીમાં તમામ દેવોએ હર્ષોલ્લાસ સાથે સદાશિવને દીપ અર્પણ કરીને દિવાળી જેવો ભવ્ય ઉત્સવ ઉજવ્યો હતો, જેને આજદિન સુધી દેવદિવાળી કે ત્રિપુરારી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. પ્રબોધિની એકાદશી અને તુલસી વિવાહથી શરૂ થતા આ પાંચ દિવસીય મહોત્સવની પૂર્ણાહુતિ કાર્તિકી પૂર્ણિમાના દિવસે થાય છે, જે આપણી પરંપરાગત દિવાળી જેટલી જ વિશેષ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્તા ધરાવે છે.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES