JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

જામનગરમાં કારતકી પૂનમે કૃષ્ણમણીજી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય પૃથ્વી પરિક્રમા અને ધ્વજારોહણ સંપન્ન

જામનગરમાં કારતકી પૂનમે કૃષ્ણમણીજી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય પૃથ્વી પરિક્રમા અને ધ્વજારોહણ સંપન્ન
છોટીકાશી જામનગરમાં શ્રી ૫ નવતનપુરી ધામના સ્થાપના દિને જગદગુરૂ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં ભવ્ય પૃથ્વી પરિક્રમા અને ધર્મ ધ્વજારોહણ યોજાયું હતું. કારતકી પૂનમના આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં પ્રણામી ધર્મના અનુયાયીઓ અને ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા.

છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્યપીઠ ગણાતા શ્રી ૫ નવતનપુરી ધામ (ખીજડા મંદિર)નો સ્થાપના દિવસ તેમજ તારતમ સાગરની ૧૨,૦૦૦ પારાયણની અખંડ સ્મૃતિમાં કારતકી પૂનમના પાવન પર્વે ભવ્ય 'પૃથ્વી પરિક્રમા' (પ્રભાત ફેરી)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલા પરોઢિયે ખીજડા મંદિરથી અનંતશ્રી વિભૂષિત જગદગુરૂ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજ તેમજ દેશભરમાંથી પધારેલા સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિમાં આ પરિક્રમાનો પ્રારંભ થયો હતો. આ પ્રભાત ફેરી શહેરના ઠેબા બાયપાસથી રાજકોટ બાયપાસ વચ્ચે આવેલા ૧૨,૦૦૦ પારાયણના મુખ્ય સ્થળ 'મૂલ મિલાવા' પહોંચી હતી, જ્યાં ધાર્મિક માહોલ સર્જાયો હતો.

'મૂલ મિલાવા' ખાતે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે જગદગુરૂ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજ, સંતો તેમજ ટ્રસ્ટી મનસુખભાઈ સંઘાણી, જી.એલ. તનેજા, કિંજલભાઈ કારસરીયા, કિશનભાઇ વસરા અને ભીમશીભાઈ પીઠિયા સહિતના અગ્રણી સુંદરસાથજીઓની હાજરીમાં ભવ્ય ધર્મ ધ્વજારોહણ અને પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જગદગુરૂ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજે પ્રણામી ધર્મના ૪૦૦ વર્ષ જૂના ગૌરવવંતા ઇતિહાસને વાગોળતા જણાવ્યું હતું કે, આજથી ચાર સદી પૂર્વે નિજાનંદાચાર્ય સદગુરૂ શ્રી દેવચંદ્રજી મહારાજે આ પાવન ભૂમિ પર ભગવાન શ્રીકૃષ્ણજીને પ્રસન્ન કરી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ અને આ મહાધામની સ્થાપના કરી હતી. સદગુરૂ શ્રી દેવચંદ્રજીએ દાતણ કરીને તેની બે ફાડ જમીન પર રોપી હતી, જે આજે પણ બે શમી (ખીજડા)ના વૃક્ષો તરીકે હયાત છે અને આ જ કારણોસર આ પવિત્ર ધામ 'ખીજડા મંદિર' તરીકે જગવિખ્યાત બન્યું છે.

કાર્યક્રમના અંતિમ ચરણમાં આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજે પ્રણામી ધર્મના તમામ અનુયાયીઓને નવતનપુરી ધામના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવાની સાથે મંગલ આશીર્વચન આપ્યા હતા. આ ભવ્ય ધાર્મિક અનુષ્ઠાનમાં ઉપસ્થિત સૌ સુંદરસાથજી ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લઈને 'મહેર સાગર' ના પાઠનું પઠન કર્યું હતું અને આધ્યાત્મિક વાતાવરણમાં ધન્યતા અનુભવી હતી.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES