JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હત્યાના બે અલગ-અલગ બનાવોથી ચકચાર: જમીન વિવાદ અને પ્રેમલગ્નના ખારમાં બે યુવકોના મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હત્યાના બે અલગ-અલગ બનાવોથી ચકચાર: જમીન વિવાદ અને પ્રેમલગ્નના ખારમાં બે યુવકોના મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાડથર અને ભાણવડ ગામમાં જમીનના વાંધા તથા પ્રેમલગ્નના અદાવતને લઈને થયેલા કરપીણ હુમલાઓમાં સારવાર દરમિયાન બે યુવકોના મોત નીપજ્યા છે, પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર ગામમાં વાડી વિસ્તારમાં રહેતા ભોલાભાઈ કારાભાઈ અવસુરા નામના ચાલીસ વર્ષીય યુવાનને તેના પિતરાઈ ભાઈ નાથાભાઈ લખમણભાઈ અવસુરા સાથે છેલ્લા કેટલાક સમયથી જમીનની બાબતે અદાવત ચાલી રહી હતી. આ જ જૂની અદાવતના કારણે ગઈકાલે સાંજે પિતરાઈ નાથાભાઈએ ઉશ્કેરાઈને ભોલાભાઈ પર ધારીયા વડે પ્રાણઘાતક હુમલો કર્યો હતો, જેમાં માથા તથા હાથ-પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ હુમલા વચ્ચે બચાવવા પડેલા ભોલાભાઈના માતા લાખીબેનને પણ હુમલાખોરે ધક્કો મારી નીચે પછાડી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા ભોલાભાઈનું ટૂંકી સારવાર દરમિયાન જ મૃત્યુ નીપજતા આ સામાન્ય બોલાચાલીનો કેસ ગંભીર હત્યામાં પરિવર્તિત થઈ ગયો હતો, જેથી પોલીસે મૃતકના માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરીને આરોપી પિતરાઈ ભાઈની અટકાયત કરી લીધી છે.

હત્યાનો બીજો કરુણ બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જ ભાણવડ શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન ભાઈબીજના પવિત્ર દિવસે બન્યો હતો. ભાણવડમાં વસવાટ કરતા સમીર દિલાવરભાઈ સમા નામના ચોવીસ વર્ષીય યુવાને ચારેક મહિના અગાઉ જુમા કાસમ હિંગોરાની પુત્રી સાથે પોતાની મરજીથી પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્નનો ભારે ખાર રાખીને ગત તા. ૧૧ ના રોજ જ્યારે સમીરભાઈ પોતાના કાકા સાથે મોબાઈલ ખરીદવા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ સસરા જુમા કાસમ તેમજ કાસમ ઈબ્રાહીમ હિંગોરા સહિતના શખ્સોએ તેમને રોકીને જીવલેણ હુમલો કરવાની ધમકી આપી પાઈપથી આડેધડ માર માર્યો હતો. આ હુમલામાં વચ્ચે બચાવ કરવા ગયેલા સમીરભાઈના કાકા ફિરોઝભાઈને પણ ઈજાઓ પહોંચી હતી, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા સમીરભાઈને પ્રથમ સ્થાનિક હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જામનગર હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા સમીરભાઈનું ગઈકાલે સારવાર દરમિયાન જીવન દોરી ટૂંકી થતાં આ કેસમાં પણ હત્યા પ્રયાસની કલમો હત્યાની કલમોમાં ફેરવાઈ ગઈ હતી. આ બંને સનસનાટીભર્યા હત્યા કેસોને ગંભીરતાથી લઈને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. ભાડથરના કિસ્સામાં મુખ્ય આરોપી ઝડપાઈ ગયો છે જ્યારે ભાણવડ પ્રકરણમાં અગાઉ હત્યાના પ્રયાસના ગુના હેઠળ જેલની હવા ખાતા આરોપીઓ સસરા જુમા કાસમ હિંગોરા, આદમ ઈબ્રાહીમ હિંગોરા અને કાસમ ઈબ્રાહીમ હિંગોરા સામે હત્યાની કલમનો ઉમેરો કરી પોલીસે જામનગર જેલમાંથી કાયદેસરનો કબ્જો મેળવી લીધો છે. ટૂંકા સમયમાં બનેલી આ બંને ઘટનાઓથી સમગ્ર પંથકમાં ભારે શોક અને સનસનાટી ફેલાઈ ગઈ છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES