જામનગર ખાતે શીખ ધર્મના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવજીની ૫૫૭મી જન્મ જયંતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવિત્ર અવસર પર ગુરૂદ્વારા દ્વારા વિશેષ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત અગાઉ પ્રભાતફેરી અને અખંડ પાઠ સાહેબનો શુભારંભ કરાયો હતો. આ સાપ્તાહિક ધાર્મિક મહોત્સવ દરમિયાન ગુરૂદ્વારા પરિસરને આકર્ષક રોશનીથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું, જેણે દર્શનાર્થીઓનું ધ્યાન ખેંચ્યું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ઉજવણીના અંતિમ દિવસે અખંડ પાઠજીની પૂર્ણાહુતિ બાદ વિશેષ ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. રાજસ્થાનના ગંગાનગરથી પધારેલા વિશેષ મહેમાન ભાઈ સાહેબ ગગનદીપ સિંઘજી દ્વારા મંત્રમુગ્ધ કરી દે તેવું શબ્દ કીર્તન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જેનાથી ઉપસ્થિત સંગત પ્રભાવિત થઈ હતી. આ પ્રસંગે ગુરુનાનક દેવજીના જીવન અને તેમના મુખ્ય સિદ્ધાંતો જેવા કે 'નામ જપો, કીર્તન કરો અને વંડ છકો' પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જે માનવતા, સખાવત અને ઈશ્વર સ્મરણનો સંદેશ આપે છે.
કાર્યક્રમના અંતે 'ગુરુ કા લંગર' મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં જામનગરના શીખ અને સિંધી સમાજના ભાઈઓ-બહેનો તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. પાકિસ્તાનના નાનકાણા સાહેબમાં માતા તૃપ્તાજી અને પિતા મેહતા કાલૂજીના ઘરે અવતરેલા ગુરુનાનક દેવજીના વિશ્વવ્યાપી પ્રવાસ અને કરતારપુર ખાતેના તેમના અંતિમ દિવસોને યાદ કરીને સમગ્ર પંથકમાં શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે આ પર્વ ઉજવાયું હતું.
