JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

રાજકોટમાં ગુરુનાનકદેવજીની 557મી જન્મજયંતીની દિવ્ય અને ભવ્ય ઉજવણી

રાજકોટમાં ગુરુનાનકદેવજીની 557મી જન્મજયંતીની દિવ્ય અને ભવ્ય ઉજવણી
રાજકોટના જંકશન પ્લોટ સ્થિત ગુરુદ્વારા ખાતે શીખ અને સિંધી સમાજ દ્વારા ગુરુનાનકદેવજીની 557મી જન્મજયંતી ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવથી ઉજવવામાં આવી રહી છે. અખંડ પાઠ સાહેબની પૂર્ણાહુતિ, મધુર શબ્દ કીર્તન અને મહાપ્રસાદના આયોજન સાથે સમગ્ર પંથક ગુરુમય બન્યો હતો.

રાજકોટના જંકશન પ્લોટ પાસે આવેલા ગુરુદ્વારા ખાતે ગુરુસિંઘ સભાના ઉપક્રમે શીખ ધર્મના સંસ્થાપક પ્રથમ ગુરુ શ્રી ગુરુનાનકદેવજીની 557મી જન્મજયંતી મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરની શરૂઆત પ્રભાત ફેરી અને અખંડ પાઠ સાહેબથી કરવામાં આવી હતી, જેની આજે વિધિવત સમાપ્તિ કરવામાં આવી હતી. આ ધાર્મિક અનુષ્ઠાનમાં શીખ તથા સિંધી સમાજના ભાઈ-બહેનો તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી સંગતે ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી. રાજસ્થાનના ગંગાનગરથી પધારેલા વિશેષ મહેમાન ભાઈ સાહેબ ગગનદીપ સિંઘજી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા મધુર શબ્દ કીર્તને ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ ભવ્ય મહોત્સવ દરમિયાન ગુરુનાનકદેવજીના જીવન અને તેમના ફિલસૂફીને યાદ કરવામાં આવી હતી. પાકિસ્તાન સ્થિત નાનકાણા સાહેબમાં માતા તૃપ્તાજી અને પિતા મહેતા કાલુજીના ઘરે અવતરેલા ગુરુનાનકજીએ સમગ્ર વિશ્વનું પરિભ્રમણ કરી માનવતાનો સંદેશો આપ્યો હતો. તેમના મુખ્ય ત્રણ સિદ્ધાંતો 'નામ જપો, કિર્તન કરો અને વંડ છકો' એટલે કે ઈશ્વરનું સ્મરણ કરો, ઈમાનદારીથી મહેનત કરો અને પરસ્પર હળી-મળીને જરૂરિયાતમંદોની સેવા કરો-આજના યુગમાં પણ એટલા જ પ્રાસંગિક છે. કરતારપુર ખાતે પોતાના અંતિમ દિવસો વિતાવનાર ગુરુનાનકજીના ઉપદેશોને અનુસરીને આજના દિવસે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.

શહેરના ગુરુદ્વારા તેમજ પરસાણાનગર સહિતના વિસ્તારોમાં સિંધી સમાજ દ્વારા પણ આ પર્વ અનોખા ઉત્સાહ સાથે ઉજવાયો હતો, જ્યાં સવારે ભક્તોએ ગુરુનાનકદેવજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પંજાબ સિંધ બેન્ક દ્વારા શ્રદ્ધાળુઓ માટે શરબત વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ગુરુના લંગર દ્વારા મહાપ્રસાદનું વિતરણ કરાયું હતું. શીખ સમાજના અગ્રણીઓ મનમોહનસિંઘ ધીલોન અને જલમીતસિંઘ ધીલોનની ઉપસ્થિતિમાં આયોજિત આ ઉત્સવની પૂર્ણાહુતિ રાત્રે ભવ્ય આતશબાજી અને દીપોત્સવ સાથે થશે, જેમાં બંને સમાજના લોકો મોટી સંખ્યામાં સહભાગી થઈને આનંદોત્સવ મનાવશે.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES