JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

શાસ્ત્રો વિરુદ્ધની કાલ્પનિક પૂજા પદ્ધતિ છોડી સનાતન ધર્મ તરફ વળો: શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી

શાસ્ત્રો વિરુદ્ધની કાલ્પનિક પૂજા પદ્ધતિ છોડી સનાતન ધર્મ તરફ વળો: શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી
દ્વારકા પીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ અમદાવાદમાં હિંદુ ધર્મની પૂજા પદ્ધતિ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સિનેમા જગત દ્વારા ઊભા કરાયેલા નકલી દેવી-દેવતાઓથી દૂર રહીને માત્ર શાસ્ત્રોક્ત પંચદેવોની ઉપાસના કરવા પર ભાર મૂક્યો છે.

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા મંદિર 'વિશ્વ ઉમિયાધામ'ની મુલાકાતે આવેલા દ્વારકા પીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ ધાર્મિક પરંપરાઓ અંગે અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમણે સનાતન ધર્મના અનુયાયીઓને સ્પષ્ટ તાકીદ કરી છે કે હિંદુઓએ માત્ર શાસ્ત્રોક્ત પંચદેવોની જ પૂજા કરવી જોઈએ. આપણા પૂર્વજો જે પ્રાચીન દેવી-દેવતાઓની પૂજા કરતા આવ્યા છે, તે જ આપણી સાચી ધાર્મિક ધરોહર છે. જે દેવી-દેવતાઓનું શાસ્ત્રો કે પુરાણોમાં કોઈ ચોક્કસ વર્ણન જ નથી, તેમની પૂજા કરવાની કોઈ આવશ્યકતા નથી.

આ વિશે વધુ સ્પષ્ટતા કરતા તેમણે મુંબઈના ફિલ્મ જગત પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે આજે મુંબઈના સિનેમાવાળાઓ દ્વારા નવા અને કાલ્પનિક દેવી-દેવતાઓ ઊભા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે સનાતન ધર્મની મૂળ પ્રાચીન પરંપરાઓ ધ્વસ્ત થઈ રહી છે. ધર્મમાં થઈ રહેલી આ ભેળસેળ સામે લાલબત્તી ધરતા શંકરાચાર્યએ ઉમેર્યું કે સાચો હિંદુ કે સનાતની તે જ છે જે પંચદેવની ઉપાસના કરે, ધર્મશાસ્ત્રોને અનુસરે તથા દ્વારકાધીશ, સોમનાથ દાદા, મા દુર્ગા, અંબાજી અને પોતાના કુળદેવી-કુળદેવતાઓને સાચા મનથી માને.

વિશ્વ ઉમિયાધામ ખાતે શાસ્ત્રોક્ત વિધિથી શિલાપૂજન કર્યા બાદ તેમણે મંદિરના ગર્ભગૃહ અને બાંધકામનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી વિશ્વ કલ્યાણના આશીર્વચન પાઠવ્યા હતા. જોકે, તેમના આ નિવેદનમાં કોઈ ચોક્કસ સંપ્રદાય કે વ્યક્તિનું નામ લેવામાં નથી આવ્યું, છતાં ધાર્મિક વર્તુળોમાં તેના ગર્ભિત અર્થોને લઈને ભારે ચર્ચા જાગી છે. આગામી સમયમાં આ નિવેદનને લઈને વિવિધ સંતો અને ધાર્મિક સંગઠનો તરફથી કેવા પ્રત્યાઘાતો પડે છે, તેના પર સમગ્ર હિંદુ સમાજની નજર મંડાયેલી છે.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES