દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં ગટરની ઓવરફ્લો થવાની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા જોધપરનાકાથી નગરનાકા તરફ જતા મુખ્ય માર્ગ પર ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી ફરી વળ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે રસ્તા પર પાણીનો મોટો ભરાવો થવાથી આખો માર્ગ કોઈ નહેરની જેમ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ ગંદા પાણીમાંથી રાહદારીઓ અને વાહનચાલકોને મજબૂરીવશ પસાર થવું પડે છે, જેના કારણે નાગરિકોમાં ભારે હાલાકી સર્જાઈ છે.
આ મુખ્ય માર્ગ પર જ રામમંદિર સહિતના અનેક ધાર્મિક અને મહત્વપૂર્ણ સ્થળો આવેલા હોવાથી દૈનિક ધોરણે હજારો લોકોની અવરજવર રહે છે. રસ્તા પર ફેલાયેલી ગંદકી અને તેના કારણે મારતી અસહ્ય દુર્ગંધથી શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આસપાસના વેપારીઓના ધંધા-રોજગાર પર પણ આ સમસ્યાની માઠી અસર પડી રહી છે. વેપારીઓનો આક્ષેપ છે કે આ કોઈ નવી સમસ્યા નથી પરંતુ વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી, જાણે પાલિકા કુંભકર્ણની નિદ્રામાં પોઢી હોય તેવી લાપરવાહી સામે આવી રહી છે.
ગટરના આ દૂષિત પાણીના સતત ભરાવા અને તેના નિકાલના અભાવને કારણે વિસ્તારમાં ગંભીર બીમારીઓ અને રોગચાળો ફાટી નીકળવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો અને વેપારીઓએ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા ઉગ્ર માગણી કરી છે. જો પાલિકા તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જનતા દ્વારા વધુ ઉગ્ર આંદોલન અથવા હલ્લાબોલ કરવામાં આવે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
