સોમવારનો દિવસ ભારતીય શેરબજાર માટે 'બ્લેક મન-ડે' સાબિત થયો હતો, જ્યાં સપ્તાહની શરૂઆત શાનદાર તેજી સાથે થઈ હતી પરંતુ રોકાણકારોની આ ખુશી માત્ર થોડી જ મિનિટો ટકી શકી હતી. અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા અને હોંગકોંગ સહિતના વૈશ્વિક બજારોમાંથી આવેલા નબળા અહેવાલો અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીને કારણે વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજાર પર પણ તેની ઘાતક અસર જોવા મળી હતી. શુક્રવારે અમેરિકી બજારો ઘટાડા સાથે બંધ થયા હતા, જેની સીધી અસર એશિયન બજારો અને ત્યારબાદ ભારતીય શેરબજાર પર રેડ ઝોન તરીકે ઉભરી આવી હતી.
બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અગાઉના બંધ સામે વધારા સાથે ખૂલીને ૭૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪,૬૬૨ ની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી પણ ૧૯૨ પોઈન્ટ વધીને ૨૫,૯૯૨ ના સ્તરે પહોંચ્યો હતો. પરંતુ માત્ર પંદર જ મિનિટમાં માર્કેટનું ચિત્ર બદલાઈ ગયું અને સેન્સેક્સ ઉપલા લેવલથી ૨૨૦૦થી વધુ પોઈન્ટ ગબડીને ૮૨,૪૪૩ ની નીચલી સપાટીએ આવી ગયો હતો. આ જ રીતે નિફ્ટી પણ ૬૪૦ પોઈન્ટના કડાકા સાથે ૨૫,૩૭૧ ના સ્તરે સરકી ગયો હતો, સાથોસાથ બેંક નિફ્ટી અને મીડકેપ ઇન્ડેક્સમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી.
શેરબજારમાં હાહાકાર મચ્યો હતો ત્યારે બીજી બાજુ લાંબા સમયથી ગગડી રહેલા કિંમતી ધાતુઓના ભાવમાં આજે તેજી જોવા મળી હતી અને સોના-ચાંદીના વાયદા તથા હાજર બજારમાં મોટો ઉછાળો નોંધાયો હતો. વાયદા બજારમાં સોનું ૧.૨૫ લાખ અને ચાંદી ૧.૫૩ લાખ રૂપિયાને પાર પહોંચી ગયા હતા, જ્યારે રાજકોટના હાજર બજારમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧,૨૯,૩૦૦ અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧,૫૯,૭00 રૂપિયા નોંધાયો હતો. આમ એક તરફ શેરબજારના રોકાણકારોને મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું તો બીજી તરફ બુલિયન માર્કેટમાં ચમકારો જોવા મળ્યો હતો.
