JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ અગાઉ ૮૦૦ સ્માર્ટ બસ સ્ટોપ બનશે, એક જ ટિકિટથી AMTS, BRTS અને મેટ્રોમાં મુસાફરી થશે

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ અગાઉ ૮૦૦ સ્માર્ટ બસ સ્ટોપ બનશે, એક જ ટિકિટથી AMTS, BRTS અને મેટ્રોમાં મુસાફરી થશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી વૈશ્વિક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખીને જાહેર પરિવહન વ્યવસ્થાને અત્યાધુનિક બનાવવાનો મેગા પ્લાન તૈયાર કર્યો છે. અઢીથી ત્રણ વર્ષમાં ૮૦૦ સ્માર્ટ બસ સ્ટોપ ઊભા કરવા સાથે મુસાફરો માટે કોમન ટિકિટિંગ સિસ્ટમ અને મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવશે.

આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ અને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ૨૦૨૯ની યજમાની કરવાની તૈયારી કરી રહેલા અમદાવાદ શહેરમાં ટ્રાન્સપોર્ટ માળખાને વૈશ્વિક કક્ષાનું બનાવવાની દિશામાં કામગીરી વેગવંતી બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને આગામી અઢીથી ત્રણ વર્ષમાં સંપૂર્ણપણે બદલી નાખવાનો મહત્ત્વાકાંક્ષી પ્લાન ઘડવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત AMTS સંચાલિત હાલના જર્જરિત અને જૂના ૮૦૦ મુખ્ય બસ સ્ટોપને હટાવીને ત્યાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્માર્ટ બસ સ્ટોપ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ 'બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર' (BOT) મોડેલ પર અમલમાં મૂકવામાં આવશે, જેના કારણે કોર્પોરેશન પર કોઈ સીધો આર્થિક બોજ નહીં પડે અને અમદાવાદ તથા ઔડા વિસ્તારના સાત લાખથી વધુ નાગરિકોને સીધો ફાયદો થશે.

આ આધુનિક પ્રોજેક્ટનું સૌથી મોટું આકર્ષણ 'સિંગલ-વિન્ડો' કોમન ટિકિટિંગ સિસ્ટમ છે, જે મુસાફરોની વર્ષો જૂની મુશ્કેલીનો અંત લાવશે. અત્યાર સુધી નાગરિકોએ AMTS, BRTS અને મેટ્રો રેલ માટે અલગ-અલગ ટિકિટો ખરીદવી પડતી હતી, પરંતુ હવે એક જ ટિકિટ કે પાસ દ્વારા આ ત્રણેય પરિવહન સેવામાં નોન-સ્ટોપ મુસાફરી કરી શકાશે. આ સાથે જ તંત્ર દ્વારા એક વિશેષ મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે, જેના માધ્યમથી મુસાફરો ઘરે બેઠાં જ બસનું લાઈવ લોકેશન ટ્રેક કરી શકશે તેમજ બસ તેમના સ્ટોપ પર ક્યારે પહોંચશે તેનો ચોક્કસ સમય જાણી શકશે. આટલું જ નહીં, મુસાફરો આ એપ દ્વારા બસમાં પોતાની સીટ રિઝર્વ કરાવવાની અદ્યતન સગવડ પણ મેળવી શકશે, જે પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ આરામદાયક બનાવશે.

પશ્ચિમ અમદાવાદના સિંધુ ભવન રોડ, સી.જી. રોડ, સાયન્સ સિટી અને પૂર્વ અમદાવાદના કેટલાક ચુંબકીય વિસ્તારોમાં સફળ પાયલટ પ્રોજેક્ટ બાદ હવે આ સ્માર્ટ બસ સ્ટોપ સમગ્ર શહેરમાં મોટા પાયે બનાવવામાં આવશે. અમદાવાદની કાળઝાળ ગરમી અને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મજબૂત છત અને આકર્ષક ડિઝાઈનવાળા આ સ્ટોપ પર સફાઈ અને જાળવણીની સંપૂર્ણ જવાબદારી જે-તે કોન્ટ્રાક્ટરની રહેશે. આ ઉપરાંત, મેટ્રો સ્ટેશનો, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને મુખ્ય બજારો જેવા વ્યસ્ત વિસ્તારોને સાંકળતી નવી ફીડર બસ સેવાઓ પણ શરૂ કરવામાં આવશે, જેથી નાગરિકો છેવાડાના સ્થળો સુધી સરળતાથી અને સમયસર પહોંચી શકે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES