કેન્દ્ર સરકારે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) હેઠળ આવતા દેશભરના લાખો કર્મચારીઓને મોટી રાહત આપતા આશરે 76 વર્ષ જૂના 'કર્મચારી રાજ્ય વીમા વિનિયમ, 1950' ના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કર્યો છે. 'કર્મચારી રાજ્ય વીમા (સામાન્ય) વિનિયમ, 2026' હેઠળ હવે બીમારી અને માતૃત્વ લાભ (Sickness and Maternity Benefits) મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ બનાવી દેવામાં આવી છે. નવા નિયમો અમલમાં આવવાથી કર્મચારીઓએ હવે કોઈ પણ પ્રકારની ઝંઝટભરી અરજીઓ કે અલગથી ક્લેમ ફાઈલ કરવાની જરૂર રહેશે નહીં, જે લાંબા સમયથી કર્મચારીઓ માટે એક મોટી મૂંઝવણનો વિષય હતો.
આ નવી ઓટોમેટિક ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પ્રક્રિયાનો લાભ મેળવવા માટે કર્મચારીઓએ માત્ર ત્રણ અનિવાર્ય શરતોનું પાલન કરવાનું રહેશે. પ્રથમ શરત એ છે કે મેડિકલ સર્ટિફિકેટ ફરજિયાતપણે ESICની અધિકૃત સિસ્ટમ દ્વારા જ જનરેટેડ હોવું જોઈએ, બીજી શરત મુજબ એમ્પ્લોયરએ સમયસર પોર્ટલ પર જરૂરી માસિક રિટર્ન જમા કરાવેલું હોવું જોઈએ અને ત્રીજી તથા સૌથી મહત્વપૂર્ણ શરત એ છે કે કર્મચારીનું બેંક ખાતું અને વીમા નંબર આધાર કાર્ડ સાથે યોગ્ય રીતે લિંક થયેલા હોવા જોઈએ. આ ઉપરાંત, ESIC સભ્યપદ માટે સામાન્ય કર્મચારીઓની માસિક પગાર મર્યાદા ₹21,000 અને દિવ્યાંગ કર્મચારીઓ માટે ₹25,000 નિશ્ચિત કરવામાં આવી છે, જ્યારે ફાળાના દરો યથાવત રાખવામાં આવ્યા છે.
માત્ર બીમારી કે માતૃત્વ જ નહીં પરંતુ કામ દરમિયાન થતી ઈજાઓ કે દુર્ઘટનાના કિસ્સામાં પણ પ્રક્રિયાને અત્યંત પારદર્શક અને સરળ બનાવવામાં આવી છે. રોજગાર દરમિયાન ઈજા થવાથી કર્મચારી કાયમી કે કામચલાઉ દિવ્યાંગ બને તેવા સંજોગોમાં એમ્પ્લોયર દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટને જ સીધો ક્લેમ ગણી લેવામાં આવશે. આ જ રીતે, કર્મચારીના દુઃખદ અવસાનના કિસ્સામાં તેમના આશ્રિતોને મળવાપાત્ર આર્થિક સહાય અને લાભો માટે પણ કોઈ અલગથી કાગળની કાર્યવાહી કે ક્લેમ દાખલ કરવાની આવશ્યકતા નહીં રહે. સરકારના આ લોકઉપયોગી પગલાથી કાગળ આધારિત કામગીરીમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તમામ પ્રક્રિયાઓ ઝડપથી ઓનલાઈન પૂર્ણ થઈ શકશે.
